રાજ્યને સાહસિક મુખ્ય મંત્રી મળ્યા છે એમ કહીને પીપલ્સ રિપબ્લિકન પાર્ટીના પ્રા. જોગેન્દ્ર કવાડેએ શિંદે જૂથ સાથે યુતિની બુધવારે ઘોષણા કરી હતી. મુખ્ય મંત્રી એકનાથ શિંદે ખુદ આ સમયે હાજર હતા. ઠાકરે અને પ્રકાશ આંબેડકરે યુતિની ચર્ચા ચાલી રહી છે તેના જવાબમાં શિંદે- કવાડેની યુતિની ઘોષણા કરવામાં આવી છે. મહાવિકાસ આઘાડીથી નારાજ થવાથી કવાડેએ છેડો ફાડ્યો છે, જેને લઈ આગામી ચૂંટણીઓમાં શિવશક્તિ- ભીમશક્તિની ટક્કર રસાકસીભરી બની રહેશે.
અમે બધાને ન્યાય અપાવીશું. રાજ્યમાં પાંચ સભાઓ લઈશું. મહાવિકાસ આઘાડી સરકારે અમારા નિવેદનની નોંધ પણ લીધી નહોતી. જોકે શિંદેએ તુરંત અમારા નિવેદનની દખલ લીધી. તેઓ જે બોલે તે કરે છે. અમારી પર અનેક વાર હુમલા થયા. જોકે અમે કામ રોક્યું નથી. અમારા પ્રયાસોને સફળતા મળી છે, એમ કવાડેએ જણાવ્યું હતું.
આ સમયે શિંદેએ જણાવ્યું કે આ યુતિની મને ખુશી છે. તેમનો અને અમારો પક્ષ પણ સંઘર્ષ થકી ઉપર આવ્યો છે. આ સંઘર્ષ આસાન નહોતો. બંને પક્ષ લોકોને ન્યાય અપાવવા માટે એકત્ર આવ્યા છે. આ એક સારી શરૂઆત છે. કવાડેએ કરેલું ઓબીસી આંદોલન દેશવ્યાપી હતું. તેમણે લોંગ માર્ચ કાઢ્યો, સંઘર્ષ કર્યો અને આજે અહીં પહોંચ્યા છે. હવે પછી મહારાષ્ટ્ર માટે અમે જોડે રહીને સારું કામ કરીશું, એમ શિંદેએ જણાવ્યું હતું.
આંબેડકરી ચળવળમાંના નેતા કવાડેએ હાલમાં શિંદેની મુલાકાત લીધી હતી. તે સમયે જ યુતિની ચર્ચા શરૂ થઈ હતી. બે દિવસ પૂર્વે પણ તેમની વચ્ચે લાંબી ચર્ચા થઈ હતી, જે પછી બુધવારે તેમણે એકત્ર પત્રકાર પરિષદ લીધી હતી. મહાવિકાસ આઘાડી માટે આ આંચકો માનવામં આવે છે. ઠાકરે અને પ્રકાશ આંબેડકર વચ્ચે યુતિ થઈ છે ત્યારે બીજી બીજુ શિંદે- કવાડે એકત્ર આવતાં રાજ્યમાં નવાં સમીકરણો રચાશે એવું કહેવાય છે.
શિંદેનો હકારાત્મક પ્રતિસાદ : શિંદે અને કવાડે વચ્ચે બે દિવસ પૂર્વે એક કલાક ચર્ચા થઈ હતી, જે પછી કવાડેએ હકારાત્મક બેઠક થઈ હોવાનું જણાવ્યું હતું. આને કારણે એક સમયે આઘાડીમાં રહેલા કવાડે હવે શિંદે- ફડણવીસ સાથે દેખાશે કે કેમ એવી ચર્ચા ચાલતી હતી. છેલ્લા અનેક દિવસથી કવાડે આઘાડીથી નારાજ હતા. આઘાડી મિત્ર પક્ષોને ભૂલી ગઈ છે એવો આરોપ તેઓ કરતા હતા.
યુતિથી કોને કેટલો ફાયદો થશે?
એક સમયે ઠાકરે સેનાની ટીકા કરનારા પ્રકાશ આંબેડકરે હવે હવે ઠાકરે સાથે નિકટતા સાધી છે. થોડા દિવસ પૂર્વે વંચિત બહુજન આઘાડીના અધ્યક્ષ આંબેડકરે ઠાકરેની મુલાકાત લીધી હતી, જેમાં યુતિ અંગે હકારાત્મક ચર્ચા થઈ હતી. હવે શિવશક્તિ અને ભીમશક્તિ એકત્ર આવતાં શિંદે અને ઠાકરે જૂથમાંથી કોને ફાયદો થશે તે વિશે ચર્ચા છે. જોકે એક વાત નક્કી છે કે આગામી સમયમાં રાજકીય સમીકરણો બદલાઈને રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.