ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું મૃત્યુ થયું તે દુર્ઘટનાગ્રસ્ત કાર ચલાવતાં ડો. અનાહિતા પંડોલે સામે સદોષ મનુષ્યવધનો ગુનો દાખલ કરવાની માગણી કરતી જાહેર હિત અરજી (પીઆઈએલ) કરનારનો કોર્ટમાં હાજર થવાનો અધિકાર શું છે એવું મંગળવારે મુંબઈ હાઈ કોર્ટે જાણવા માગ્યું હતું.
દરમિયાન ઘટનાના દિવસે ડો. અનાહિતા શરાબના નશામાં હતાં એવો આરોપ પણ અરજદારે કર્યો હતો. જોકે સરકારી વકીલે ડો. અનાહિતા પર પોલીસે લીધેલા ટેસ્ટ નેગેટિવ આવ્યા હતા એમ જણાવ્યું હતું.અરજદાર સંદેશ જેધે માર્ગ સુરક્ષા બાબતે સતર્ક નાગરિક હોવાનો દાવો કરે છે.
તેણે અરજીમાં એવી દાદ માગી છે કે અકસ્માત જેની હદમાં થયો હતો તે પાલઘર જિલ્લાની કાસા પોલીસને આરોપી સામે ભારતીય દંડ સંહિતાની કલમ 304 (સદોષ મનુષ્યવધ)નો ગુનો દાખલ કરવા કોર્ટે નિર્દેશ આપવા જોઈએ.54 વર્ષીય સાયરસ અને તેમના મિત્ર જહાંગીર પંડોલેનાં 4 સપ્ટેમ્બરે અમદાવાદથી મુંબઈ આવતા હતા.
ત્યારે કાસાની હદમાં સૂર્યા નદીના પુલ પર તેમની મર્સિડીઝ ડિવાઈડર સાથે અથડાઈને મોત થયાં હતાં, જ્યારે કાર ડ્રાઈવ કરતાં ડો. અનાહિતા (55) કાર ચલાવતાં હતાં અને તેમના પતિ દરાયસને ગંભીર ઈજા પહોંચી હતી. પોલીસે પછી ડો. અનાહિતા સામે પૂરપાટ અને બેદરકારીથી વાહન હંકારવાનો કેસ દાખલ કર્યો હતો.
મંગળવારે કાર્યવાહ મુખ્ય ન્યાયાધીશ એસ વી ગંગાપુરવાલા અને જસ્ટિસ સંદીપ માર્ણેએ અરજદાર પાસે જાણવા માગ્યું કે કેસમાં કોર્ટમાં હાજર થવાનો તેનો અધિકાર શું છે અને હાઈ કોર્ટ મેજિસ્ટ્રેટનું કામ કઈ રીતે કરી શકે છે.આ કામ તો મેજિસ્ટ્રેટનું છે. આરોપ કયા મૂકવા તે મેજિસ્ટ્રેટ નક્કી કરી શકે છે. શું અરજદાર મેજિસ્ટ્રેટનું કામ હાઈ કોર્ટ કરે એવું ચાહે છે? તમારો કોર્ટમાં હાજર થવાનો અધિકાર શું છે? આ કેસમાં તમે કઈ રીતે સંબંધિત છો? એવા સવાલ ખંડપીઠે કર્યા હતા.
સંબંધિત પોલીસ ગમે તે આરોપ ઉમેરી શકે અને તે વિશે મેજિસ્ટ્રેટે ધ્યાનમાં લેવાનું હોય છે અને વધુ આરોપ ઉમેરી શકાય કે નહીં તે જોવાનું હોય છે. દરમિયાન જેધેના વકીલ સાદિક અલીએ દાવો કર્યો હતો કે ડો. અનાહિતા અકસ્માત સમયે નશામાં હતા એવા મારા અસીલ પાસે પુરાવા છે.
તેમણે એક સીસીટીવી ફૂટેજ પણ આપ્યું હતું, જેમાં ડો. અનાહિતાએ 3 સપ્ટેમ્બરે રાત્રે કેફેમાં શરાબ સેવન કર્યું હતું એવું દેખાતું હોવાનો આરોપ કર્યો હતો.દરાયુસ વતી હાજર વરિષ્ઠ ધારાશાસ્ત્રી રફિક દાદાએ પીઆઈએલ રદબાતલ કરવાની માગણી કરી હતી. ડો. અનાહિતા વતી વરિષ્ઠ ધારાશાસ્ત્રી આબાદ પોંડાએ મારા અસીલ નશામાં હતા એવી ફક્ત કલ્પના છે.
પોલીસે ટેસ્ટ લીધા હતા. સરકારી વકીલ અરૂણા કામત પાઈએ જણાવ્યું કે ટેસ્ટમાં નશો કર્યો હતો એવું જણાયું નથી.આ પછી અલીએ દાવો કર્યો કે પોતાની પાસે પુરાવા છે અને સિદ્ધ કરવા છેલ્લો મોકો મળે એવું જણાવ્યું હતું. કોર્ટે તે પછી મામલો 17 જાન્યુઆરી પર મોકૂફ રાખ્યો હતો.
અરજદારે એવી પણ દાદ માગી છે કે દરાયુસ સામે પણ કલમ 304 હેઠળ ગુનો દાખલ કરવો જોઈએ, કારણ કે તેઓ વાહનના માલિક છે અને પત્ની શરાબની લત ધરાવે છે એ વિશે વાકેફ હોવા છતાં તેને ડ્રાઈવ કરવાથી રોકી નહોતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.