ચૂંટણી:રાજ્યની બધી પાલિકાની ચૂંટણી ફેબ્રુઆરી-માર્ચમાં થવાની શક્યતા

મુંબઈ3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વોર્ડ રચનાના કામની શરૂઆત કરવાનો કમિશનરોને આદેશ અપાયો

વોર્ડની સંખ્યા અને રચના નિશ્ચિત કરવાનું કામ તરત શરૂ કરવાનો આદેશ નગરવિકાસ વિભાગે રાજ્યના તમામ મહાપાલિકા કમિશનરને આપ્યો હતો. તેથી આગામી વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં મહાપાલિકાની ચૂંટણી થશે એવો અંદાજ વ્યક્ત કરવામાં આવે છે. મહાપાલિકામાં વોર્ડ રચનાના અધિકાર મહાવિકાસ આઘાડી સરકારના સમયમાં રાજ્ય સરકારે પોતાની પાસે લીધા હતા.

મધ્ય પ્રદેશ પ્રમાણે રાજ્યમાં કાયદો ઘડવામાં આવ્યો હતો. વોર્ડ રચનાનો ચૂંટણી આયોગનો અધિકાર કાઢીને તે પોતાની પાસે લેવાના કાયદાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે છતાં કોર્ટે એને સ્ટે આપ્યો નથી. મહાવિકાસ આઘાડી સરકારના સમયમાં નિશ્ચિત કરવામાં આવેલી વોર્ડની સંખ્યા અને રચનામાં ફેરફાર કરવાનો નિર્ણય સત્તા બદલાતા જ શિંદે-ફડણવીસ સરકારે લીધો હતો. વોર્ડની સંખ્યા ઓછી કરવાના નિર્ણયને કોર્ટમાં પડકારવામાં આવ્યો છે પણ એના પર સ્ટે આપવામાં આવ્યો નથી. તેથી રાજ્ય સરકારે પોતાની પાસેના અધિકારનો ઉપયોગ કરીને નવેસરથી વોર્ડની રચના અને સંખ્યા કરવાનો આદેશ તમામ મહાપાલિકાને આપ્યો છે.

રાજ્યની 28માંથી 24 મહાપાલિકામાં ચૂંટણી થવાની છે. મુદત પૂરી થયેલી અથવા નજીકના સમયમાં મુદત પૂરી થતી હોય એવી મહાપાલિકાઓની ચૂંટણી માટે 2011ની વસતિગણતરીના આંકડાના આધારે વોર્ડની સંખ્યા અને રચના નિશ્ચિત કરીને વોર્ડ રચનાનું પ્રારુપ તૈયાર કરવું એવો આદેશ નગરવિકાસ વિભાગે તમામ મહાપાલિકાઓને આપ્યો છે.

મુંબઈમાં વોર્ડની સંખ્યા 236 કરવામાં આવી હતી. શિંદે સરકારે એને ફરીથી 227 કરવાનો નિર્ણય લીધો હતો. રાજ્ય સરકારે વોર્ડ રચનાના અધિકાર પોતાની પાસે લીધા છે છતાં રાજ્ય ચૂંટણી પંચની માન્યતા બાદ જ એને અંતિમ કરવામાં આવશે એવી કાયદામાં જોગવાઈ કરવામાં આવી છે. મુંબઈ, થાણે, પુણે, નાગપુર, કલ્યાણ-ડોંબીવલી, નવી મુંબઈ, વસઈ-વિરાર, પિંપરી-ચિંચવડ, અમરાવતી, ઔરંગાબાદ, કોલ્હાપુર વગેરે મહાપાલિકાની મુદત પહેલાં જ પૂરી થઈ છે. ત્યાં પ્રશાસકીય રાજવટ ચાલુ છે. ઓબીસી અનામતના મુદ્દાનો ઉકેલ પણ આવી ગયો છે. વોર્ડની રચનાનો મુદ્દો અત્યારે કોર્ટમાં છે. કોર્ટ ગ્રીન સિગ્નલ આપે તો ફેબ્રુઆરી કે માર્ચમાં ચૂંટણી થઈ શકે છે.

અન્ય સમાચારો પણ છે...