આંદોલન:છત્રપતિ વિશે વક્તવ્યને લઈ રાજ્યપાલ વિરુદ્ધ મુંબઈ સહિત ઠેર ઠેર આંદોલન

મુંબઈ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજીનામું નહીં આપે તો રાજભવન પર મોરચો લઈ જવાનો ઈશારો

મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ છત્રપતિ શિવાજી મહારાજ વિશે કરેલા વિવાદાસ્પદ વિધાનને લઈને વિરોધી પક્ષો દ્વારા વિરોધ વધી રહ્યો છે. ખાસ કરીને મરાઠી ક્રાંતિ મોરચા પણ હવે આક્રમક બની ગયો છે. તેના કાર્યકરોએ રવિવારે મુંબઈ, ઔરંગાબાદ સહિત રાજ્યમાં જોરદાર આંદોલન કર્યું હતું અને જો તેઓ રાજીનામું નહીં આપે તો રાજભવન પર મોરચો કાઢવાનો ઈશારો પણ આપ્યો છે.મુંબઈમાં છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર શિવાજી મહારાજના પૂતળાની સામે મરાઠા ક્રાંતિ મોરચાના કાર્યકરોએ રાજ્યપાલ વિરુદ્ધ જોરદાર ઘોષણાબાજી કરી હતી.

ઔરંગાબાદ શહેરમાં ક્રાંતિ ચોક ખાતે રસ્તા રોકો આંદોલન કર્યું હતું. આ સમયે મોરચાના સમન્વયક વીરેન્દ્ર પવારે જણાવ્યું કે શનિવારે રાજ્યપાલે શિવાજી મહારાજ વિશે ખોટું વક્તવ્ય કર્યું છે. તેમણે અનેક વાર આવું વક્તવ્ય કર્યું છે. અમને કહેવું પડશે કે ફક્ત દેશમાં જ નહીં પણ દુનિયાભરમાં શિવાજી મહારાજનો આદર કરવામાં આવે છે.આવા રાજ્યપાલ અમને જોઈતા નથી. તેમને જોઈએ તો તેમણે તેમના રાજ્યમાં જતા રહેવું જોઈએ. અમારી કેન્દ્ર પાસે માગણી છે કે રાજ્યપાલની મહારાષ્ટ્રમાંથી હકાલપટ્ટી કરી દેવી જોઈએ. રાજ્યપાલને હવે મહારાષ્ટ્રમાં રહેવાનો કોઈ અધિકાર નથી. આગામી એક- બે દિવસમાં રાજ્યપાલની હકાલપટ્ટી નહીં કરાય તો અમે રાજભવન પર આંદોલન કરીશું.

રસ્તા રોકો અને પૂતળું બાળ્યું
દરમિયાન ઔરંગાબાદના ક્રાંતિ ચોકમાં મરાઠા ક્રાંતિ મોરચા તરફથી આંદોલન કરવામાં આવ્યું હતું. કાર્યકરોએ રસ્તા રોકો આંદોલન કર્યું હતું. તેઓ વાહનોની સામે સૂઈ ગયા હતા, જેને લીધે ટ્રાફિકજામ સર્જાયો હતો. બીજી બાજુ રાજ્યપાલનું પ્રતિકાત્મક પૂતળું અને ટોપી બાળીને વિરોધ નોંધાવ્યો હતો. દરમિયાન પોલીસે આવીને અમુક આંદોલનકારીઓને કબજામાં લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...