સોશિયલ મિડિયા પર વિવાદાસ્પદ અભિનેત્રી ઉર્ફી જાવેદ અને ભાજપનાં મહિલા પ્રદેશાધ્યક્ષા ચિત્રા વાઘ વચ્ચે વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. ઉર્ફીને જ્યાં મળશે ત્યાં તેની ધુલાઈ કરવામાં આવશે એવો ઈશારો ચિત્રા વાઘે આપ્યો હતો. ભરરસ્તામાં અતરંગી વસ્ત્રો પહેરીને ફરતી ઉર્ફી વિરુદ્ધ ચિત્રા વાઘે મુંબઈ પોલીસ કમિશનરને ફરિયાદ કરીને ધરપકડ કરવાની માગણી કરી હતી. તેની પર ઉર્ફીએ કાર્યવાહી માટે વાઘને ખુલ્લો પડકાર આપ્યો હતો, જે પછી વાઘ રોષે ભરાયાં છે.
આ પછી ઉર્ફીએ હવે ફરીથી તેના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર સ્ટોરી શેર કરી છે. આ સ્ટોરીમાં ઉર્ફીએ ગંભીર વિધાન કર્યું છે. રાજકીય નેતાઓ વિરુદ્ધ વક્તવ્ય કરવાનું મારા માટે ઘાતક નીવડી શકે છે તે મને જાણ છે. જોકે તેઓ મને આત્મહત્યા માટે પ્રવૃત્ત કરી રહ્યાં છે.
આથી હું આત્મહત્યા કરીશ અથવા તેમની વિરુદ્ધ બોલીને મારું ખૂન કરાવી લઈશ. જોકે આ બધાની શરૂઆત મેં કરી નથી. મેં કોઈની સાથે ખોટી વર્તણૂક કરી નથી. કારણ વિના તેમણે જ આ શરૂઆત કરી છે, એમ ઉર્ફીએ જણાવ્યું છે.
દરમિયાન ઠાકરે જૂથનાં સુષમા અંધારેએ પણ આ વિવાદમાં ભૂસકો માર્યો છે. ઉર્ફીનાં કપડાં પરથી બોલનારા ચિત્રા વાઘને અંધારેએ કેતકી ચિતળે, અમૃતા ફડણવીસ, કંગના રણોતના ફોટો શેર કરીને અમુક સવાલ કર્યા હતા.
મહિલા પંચને ચિત્રા વાઘનો સવાલ
દરમિયાન વાઘે મહિલા પંચનાં અધ્યક્ષા રૂપાલી ચાકણકરને પૂછ્યું છે કે જાહેર ઠેકાણે અંગપ્રદર્શન કરનારને તમારું સમર્થન છે? ઉર્ફી નામની વ્યક્તિ સામે મારો વિરોધ નથી. જોકે તેની બીભત્સ વિકૃતિ સામે વાંધો છે. કાયદો તેનું કામ કરશે. અમારી શિંદે- ફડણવીસ સરકાર તે માટે સક્ષમ છે. જોકે મહિલા પંચ પણ કોઈ પગલાં લેશે કે નહીં તેની સ્પષ્ટતા કરવી જોઈએ, એમ વાઘે જણાવ્યું છે. મહારાષ્ટ્રમાં આવો નંગા- નાચ અમે ચલાવી નહીં લઈએ, એમ પણ તેમણે સ્પષ્ટ કર્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.