રાજકારણ:શિવસેના પછી મહારાષ્ટ્ર કોંગ્રેસમાં પણ મોટું ગાબડું પડવાની શક્યતા

મુંબઈ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફડણવીસ - Divya Bhaskar
ફડણવીસ
  • કોંગી વિધાનસભ્યોનું એક જૂથ ભાજપમાં જવાની જોરદાર ચર્ચા

શિવસેનામાં મોટું ગાબડું પડ્યું તેમાંથી રાજ્ય હજુ ઊભરી આવ્યું નથી ત્યાં કોંગ્રેસમાં મોટું ગાબડું પડશે અને કોંગ્રેસના વિધાનસભ્યોનું એક જૂથ ભાજપમાં જોડાઈ જવાની જોરદાર ચર્ચા શરૂ થઈ છે. ખાસ કરીને આ શંકાકુશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી ત્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અશોક ચવ્હાણ અને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસ વચ્ચે બંધબારણે ગુફતેગૂ થતાં આ ચર્ચાને બળ મળ્યું છે.શિંદે- ફડણવીસ સરકારના મંત્રીમંડળના વિસ્તરણનો બીજો તબક્કો હજુ બાકી છે. આ તબક્કામાં કોંગ્રેસના બે માજી મંત્રી પણ શપથ લઈ શકે છે એવી ચર્ચા છે.

અશોક ચવ્હાણ
અશોક ચવ્હાણ

તેમાંથી એક રાજ્યમાં મુખ્ય મંત્રીપદ શોભાવ્યા ચૂક્યા છે, જ્યારે બીજો નેતા માજી મંત્રી છે. આ જ રીતે મંત્રીમંડળ વિસ્તરણ દરમિયા કોંગ્રેસના અમુક વિધાનસભ્યો પક્ષ છોડીને ભાજપમાં જવાની શક્યતા છે. જો આવું બને તો પહેલા જ મહારાષ્ટ્રમાં કમજોર પડેલી કોંગ્રેસને મોટો ફટકો પડી શકે છે.અશોક ચવ્હાણે ગુરુવારે પુણેમાં ફડણવીસની મુલાકાત લીધી હતી. ભાજપના સમન્વયક આશિષ કુલક્રણીના ઘરે આ બે નેતાઓની બંધબારણે મુલાકાત થઈ હતી. બંને વચ્ચે લગભગ 20થી 30 મિનિટ ચર્ચા થઈ હતી. બેઠકમાં શું થયું તે વિશે ગોપનીયતા સેવવામાં આવી રહી છે.

જોકે તેને લીધે મંત્રીમંડળ વિસ્તરણમાં સ્થાન મેળવવાની શક્યતા ધરાવતા કોંગ્રેસના નેતા ચવ્હાણ જ છે એવી ચર્ચાએ રાજકીય વર્તુળમાં જોર પકડ્યું છે.અન્ય મંત્રી ચંદ્રકાંત હંડોરે હોવાનું કહેવાય છે. દરમિયાન ફડણવીસ સાથે મુલાકાતને ચવ્હાણે પુષ્ટિ આપી હતી, પરંતુ ગણેશોત્સવ નિમિત્તે આ મુલાકાત હોવાનું અને કોઈ પણ રાજકીય ચર્ચા થઈ નથી એવું બહાનું તેમણે કર્યું હતું. વિધાનસભ્યોની પક્ષ શ્રેષ્ઠીઓને ફરિયાદ : વિધાન પરિષદની ચૂંટણીમાં કોંગ્રેસના 7 વિધાનસભ્યોએ ભાજપને મતદાન કર્યું હતું.

આને કારણે કોંગ્રેસના ઉમેદવાર ચંદ્રકાંત હંડોરે હારી ગયા હતા. આ વિધાનસભ્યોની યાદી કોંગ્રેસના નેતા પૃથ્વીરાજ ચવ્હાણે પક્ષ શ્રેષ્ઠી પાસે મોકલીને આ વિધાનસભ્યો પર કાર્યવાહી કરવાની માગણી કરી છે. આ યાદીમાં અશોક ચવ્હાણનું નામ પણ હોવાની ચર્ચા છે. આ જ રીતે શિંદે સરકારના ફ્લોર ટેસ્ટ વખતે પણ કોંગ્રેસના 10 વિધાનસભ્યો સભાગૃહમાં ગેરહાજર રહ્યા હતા તે પણ અત્રે ઉલ્લેખનીય છે.

બળવાખોરોનું નેતૃત્વ કોની પાસે
ગેરહાજર વિધાનસભ્યોમાં પણ અશોક ચવ્હાણ અગ્રસ્થાને હતા. ગેરહાજરી બાબતે ચવ્હાણે સ્પષ્ટીકરણ પણ આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે વિધાનમંડળની ગેલેરીમાં વિધાનસભ્યો સાથે ચર્ચા કરવામાં સમય નીકળી ગયો હતો. આથી સભાગૃહમાં પહોંચવામાં મોડું થયું હતું. જોકે તેમના આ જદાવા પર હવે પ્રશ્નચિહન ઉપસ્થિત કરવામાં આવી રહ્યું છે. ઉપરાંત ચવ્હાણ કોંગ્રેસમાં બળવાખોરોનું નેતૃત્વ કરી રહ્યા છે કે કેમ એવો પ્રશ્ન પણ ઉપસ્થિત થયો છે.

બીજા તબક્કામાં 23 મંત્રીના શપથ
ભાજપના મંત્રી સુધીર મુનગંટીવારે ગણેશોત્સવમાં પાલકમંત્રી પદની ઘોષણા થશે એમ જણાવ્યું હતું. મુનગંટીવારે જણાવ્યું કે રાજ્યનું બીજું મંત્રીમંડળ વિસ્તરણ ટૂંક સમયમાં જ થશે. આ વિસ્તરણમાં શિંદે અને ભાજપના કુલ 23 મંત્રીઓને સ્થાન અપાશે. આ ગણેશોત્સવમાં જ રાજ્યના પાલકમંત્રી પદની ઘોષણા કરવામાં આવશે. આથી આગામી મંત્રીમંડળ વિસ્તરણ અને પાલકમંત્રી પદે કોને તક મળે છે તે જોવાની સૌને ઉત્સુકતા રહેશે.

અન્ય સમાચારો પણ છે...