તપાસ:પુણે બાદ હવે મુંબઈમાં પણ 2 સ્કૂલ પાસે CBSEનું બોગસ પ્રમાણપત્ર!!

મુંબઈ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 666 સ્કૂલોએ પ્રમાણપત્ર લીધાનો શકઃ પ્રકરણનો વ્યાપ ઘણો મોટો

પુણે પછી મુંબઈની બે સ્કૂલોએ પણ સીબીએસઈનું બોગસ પ્રમાણપત્ર મેળવ્યું હોવાનું તપાસમાં જાહેર થયું છે. આ બંને સ્કૂલની માહિતી પુણે વિભાગના શિક્ષણ ઉપસંચાલક તરફથી મંત્રાલયના શિક્ષણ વિભાગના ઉચ્ચ પદે બિરાજતા અધિકારીઓને મોકલવામાં આવશે. એ પછી મુંબઈની એ બે સ્કૂલ વિશે નિર્ણય લેવામાં આવશે.

પુણેની ત્રણ સ્કૂલોએ સીબીએસઈનું બોગસ પ્રમાણપત્ર મેળવ્યાનું તાજેતરમાં પ્રકાશમાં આવ્યું હતું. એ પછી મંત્રાલયમાંથી આ પ્રકરણની તપાસનો આદેશ પુણે ઉપસંચાલકને આપવામાં આવ્યો હતો. શિક્ષણ ઉપસંચાલક તરફથી તપાસની જવાબદારી પુણે જિલ્લા પરિષદના શિક્ષણ વિભાગના અધિકારી કે.ડી.ભુજબળને સોંપવામાં આવી હતી. ભુજબળે કરેલી તપાસમાં પુણેની ત્રણ સ્કૂલ ઉપરાંત મુંબઈની બે સ્કૂલોના નામ પણ સીબીએસઈના બોગસ પ્રમાણપત્ર તૈયાર કરવામાં આવ્યાનું પ્રકાશમાં આવ્યું છે.

પુણેની ત્રણ સ્કૂલના નામ બોગસ પ્રમાણપત્ર મેળવ્યાનું જાહેર થયા બાદ પુણેના સમર્થ પોલીસ સ્ટેશનમાં અજ્ઞાત વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. શિક્ષણ ઉપસંચાલક વિભાગે તપાસ શરૂ કર્યા પછી પુણેની ત્રણ સ્કૂલ સાથે જ પુણે જિલ્લાની વધુ 12 સ્કૂલના નામ પ્રકાશમાં આવ્યા છે. તેથી આ પ્રકરણનો વ્યાપ હજી વધે એવી શક્યતા છે. સીબીએસઈનું બોગસ પ્રમાણપત્ર આપતું રેકેટ કાર્યરત છે અને 666 સ્કૂલોએ પ્રમાણપત્ર લીધાનો શક છે.

12 લાખ રૂપિયામાં બનાવટી પ્રમાણપત્ર
12 લાખ રૂપિયાના બદલે સ્કૂલોને સીબીએસઈની માન્યતાવાળું બનાવટી પ્રમાણપત્ર વેચતી ટોળકી કાર્યરત હોવાનું જણાયું છે. એના માટે મંત્રાલયના શિક્ષણ વિભાગના અધિકારીઓની બનાવટી સહીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એ પછી આ પ્રકરણની તપાસનો આદેશ આપવામાં આવ્યો છે. પુણેની ત્રણ સ્કૂલની તપાસ શરૂ થઈ છે.

જો કે આ પ્રકરણનો વ્યાપ મોટો હોવાની શક્યતા શિક્ષણ વિભાગના અધિકારી વ્યક્ત કરી રહ્યા છે. આ ટોળકીએ જે સ્કૂલ પાસે પહેલાંથી જ પ્રમાણપત્ર છે એવી સ્કૂલના ઈનવર્ડ નંબર લઈને એના આધારે બનાવટી પ્રમાણપત્ર તૈયાર કર્યા છે. અત્યારે આ પ્રકરણની તપાસ શિક્ષણ અધિકારી કરી રહ્યા છે. પણ આ ગુનાનું સ્વરૂપ ગંભીર છે અને વ્યાપ મોટો છે. તેથી આ પ્રકરણનો ઉકેલ લાવવો હશે તો પોલીસ યંત્રણા મારફત નિષ્પક્ષ તપાસ થવી જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...