મુંબઈમાં કેઈએમ હોસ્પિટલ પછી હવે સીએસએમટી નજીકની કામા એન્ડ આલ્બલેસ હોસ્પિટલમાં સખી વન સ્ટોપ સેંટર શરૂ થશે. અત્યાચાર પીડિત મહિલાઓ અને બાળકોને મેડિકલ સારવારથી લઈને કાયદાકીય મદદ સુધીની તમામ સુવિધા આ કેન્દ્રમાં ઉપલબ્ધ કરી આપવામાં આવશે. મુંબઈમાં આ બીજું કેન્દ્ર હશે.અત્યાચાર પીડિત મહિલાઓ અને બાળકોને સમયસર સારવાર સહિત કાઉન્સેલિંગ, કાયદાકીય મદદની જરૂર હોય છે.
પીડિત મહિલા કે બાળકને મદદ માટે જુદા જુદા ઠેકાણે આંટાફેરા કરવા ન પડે એ માટે એક જ ઠેકાણે તમામ સુવિધા ઉપલબ્ધ કરી આપવાના ઉદ્દેશથી સખી વન સ્ટોપ સેંટરની સંકલ્પના કેન્દ્રિય મહિલા અને બાલકલ્યાણ વિભાગ મારફત 2015માં શરૂ કરવામાં આવી. દેશમાં 730 જિલ્લાઓમાં આવા 733 કેન્દ્ર શરૂ કરવામાં આવશે. ફેબ્રુઆરી 2022 સુધી 35 કેન્દ્ર શરૂ કરવામાં આવ્યા છે. મુંબઈમાં પહેલું વન સ્ટોપ સેંટર કેઈએમ હોસ્પિટલમાં 2019માં શરૂ કરવામાં આવ્યું હતું.
એ પછી હવે મહિલાઓ અને બાળકો માટેની વિશેષ હોસ્પિટલ એવી કામા હોસ્પિટલમાં આ કેન્દ્ર શરૂ કરવામાં આવશે. આ બાબતે બે બેઠક થઈ છે અને જગ્યા નક્કી કરવામાં આવી છે. હવે ત્યાં બાંધકામ શરૂ કરવામાં આવશે. નજીવી સારવાર સહિત બાળક કે મહિલાને અદ્યતન સારવારની જરૂર પડશે તો એની સુવિધા હોસ્પિટલમાં ઉપલબ્ધ છે. ઉપરાંત પીડિતાના મેડિકલ નમૂના લેવા સહિત તમામ પ્રકારની મદદ હોસ્પિટલમાં કરવી શક્ય થશે એમ કામા એન્ડ આલ્બલેસ હોસ્પિટલના મેડિકલ અધિક્ષક ડો. તુષાર પાલવેએ જણાવ્યું હતું.
વન સ્ટોપ સેંટરમાં સુવિધાઓ : સખી વન સ્ટોર સેંટરમાં આવેલી પીડિત મહિલા અથવા બાળકને જરૂરી મેડિકલ સારવાર આપવામાં આવે છે. એ સાથે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવી, પીડિત વ્યક્તિનું કાઉન્સેલિંગ કરવું, જરૂરી કાયદાકીય મદદ કરવી, રહેવાની સગવડ કરવી અને કોર્ટ કે પોલીસ તપાસ માટે વીડિયો કોન્ફરન્સિંગની સુવિધા આપવામાં આવે છે. આ કેન્દ્ર 24 કલાક ખુલ્લું રહે છે.
કેન્દ્રમાં ઉપલબ્ધ સેવા
પીડિત વ્યક્તિને જરૂરિયાત અનુસાર સેવા આપવા માટેની હોસ્પિટલ, પોલીસ સ્ટેશન, વકીલ, કાઉન્સેલરોની યાદી આ કેન્દ્રમાં ઉપલબ્ધ હોય છે. આ કેન્દ્ર ચલાવવા માટે તમામ ભંડોળ કેન્દ્રિય મહિલા અને બાલકલ્યાણ વિભાગ મારફત આપવામાં આવે છે. પીડિત વ્યક્તિ સીધા કેન્દ્રમાં જઈને મદદ લઈ શકે છે અથવા મહિલાઓ માટેની કે બીજી કોઈ હેલ્પલાઈન દ્વારા પણ કેન્દ્રમાં જઈ શકે છે. પોલીસ, સામાજિક સંસ્થા, સ્વયંસેવક, હોસ્પિટલ, સગાસંબંધી, મિત્ર વગેરેની મદદથી પણ પીડિત આ કેન્દ્રમાં દાખલ થઈ શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.