ધરપકડ:શેરડી તોડવાના વિવાદમાં મજૂરનું અપહરણ કર્યા બાદ ગોંધી રાખ્યો

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મજૂરનો છુટકારો કરીને ખંડણીખોરની ધરપકડ કરવામાં આવી

શેરડી તોડવાના પૈસા પરથી થયેલા વાદવિવાદમાં મુંબઈમાં કરી રોડ ખાતે ફૂલ વેચતા રમેશ કાળે (35)નું અપહરણ કરીને સાંગલીમાં ગોંધી રાખી છુટકારા માટે રૂ. 7 લાખની ખંડણી માગનારી ગેન્ગના સંતોષ કાળે (28)ની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે રીઢો ખંડણીખોર બાપુ ચવ્હાણ (45) ફરાર છે. એન એમ જોશી માર્ગ પોલીસે કેસની તપાસ કરી રહી છે.આ પ્રકરણે બાપુ સાથે તેની પત્ની મયુરા, ભાઈ વિલાસ અને અન્ય એકની શોધ ચાલુ છે. 1 ડિસેમ્બરે સુનિતા કાળેએ ફરિયાદ નોંધાવી હતી કે તેના પતિ રમેશને ફૂલનો મોટો ઓર્ડર આપું છું એમ કહીને આરોપીઓ ટેક્સીમાં બેસાડીને સાંગલીમાં લઈ ગયા છે.

તેને ત્યાં બંધક બનાવ્યો છે અને છુટકારા માટે રૂ. 7 લાખની માગણી કરી રહ્યા છે. આ માહિતીને આધારે પોલીસે બે વિશેષ ટીમ બનાવી હતી. કર્ણાટકના ગુલબર્ગા અને બેલગામ તેમ જ મહારાષ્ટ્રના સાંગલીમાં ટીમો પહોંચી હતી. ટેક્નિકલ વિશ્લેષણ અને ગોપનીય માહિતીને આધારે સંતોષ કાળે (28)ને કબજામાં લઈને તેની માહિતી પરથી રમેશ કાળેનો છુટકારો કર્યો હતો.

આરોપીઓએ રમેશને ખંડણીની રકમ નહીં મળે તો જાનથી ખતમ કરવાની ધમકી આપીને એક મહિના સુધી ગોંધી રાખ્યો હતો.આરોપીની ઊલટતપાસ લેતાં વોન્ટેડ બાપુ રીઢો ખંડણીખોર હોવાનું જણાયું છે. સાંગલી વિટા પોલીસ સ્ટેશનમાં પણ અન્ય એક મજૂરનું અપહરણ કરીને ખંડણી માગવાનો ગુનો તેની પર દાખલ છે. અન્ય એક કેસમાં ખંડણી નહીં મળતાં મજૂરની હત્યા કર્યાનો ગુનો સોલાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે.

અન્ય સમાચારો પણ છે...