નવો ખુલાસો:આફ્તાબે શરીરના ટુકડેટુકડા કરીને ફેંકવાની 2 વર્ષ પૂર્વે ધમકી આપી હતી

મુંબઈ2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શ્રદ્ધા વાલકરના ફરિયાદ પત્રમાં નવો ખુલાસો થયો

શ્રદ્ધા વિકાસ વાલકર (27) હત્યાકાંડમાં વધુ એક મોટો ખુલાસો સામે આવ્યો છે. શ્રદ્ધાએ બે વર્ષ પૂર્વે નવેમ્બર 2020માં લિવ-ઈન પાર્ટનર આફ્તાબ અમીન પૂનાવાલા (28) વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. તેમાં આફ્તાબથી જાનને જોખમ હોવાનું કહ્યું હતું.

ઉફરાંત તેના શરીરના ટુકડેટુકડા કરવાની ધમકી પણ આપી હોવાનો દાવો કર્યો હતો. વસઈના તુલીંજ પોલીસ સ્ટેશનમાં શ્રદ્ધાએ આ લેખિત ફરિયાદ કરી હતી. અંગ્રેજીમાં લખેલા પત્રમાં શ્રદ્ધાએ જણાવ્યું કે આફ્તાબ તેની રોજ મારઝૂડ કરતો હતો અને ગાળાગાળી કરતો હતો. આજે તેણે મને મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. તે મને સતત ધમકી આપે છે. એક દિવસ શરીરના ટુકડેટુકડા કરીને ફેંકી દઈશ એવી ધમકી પણ આપી હતી. છેલ્લા છ મહિનાથી તે મને મારઝૂડ કરે છે.

તે મારી સાથે કેવી વર્તણૂક કરે છે અને મને જાનથી ખતમ કરવાની ધમકી આપે છે તે તેના કુટુંબીઓને પણ જાણ છે, એમ શ્રદ્ધાએ ફરિયાદમાં જણાવ્યું છે.મને તેની જોડે રહેવાની ઈચ્છા નથી. તે મને સતત બ્લેકમેઈલ કરે છે. આથી મારી સાથે કશું પણ ખરાબ થાય તો તે માટે આફ્તાબ જ જવાબદાર રહેશે, કારણ કે તે મને મારઝૂડ કરે છે, એમ ફરિયાદમાં જણાવ્યું છે.જોકે આ ફરિયાદને આધારે પોલીસે અદખલપાત્ર ગુનો દાખલ કરીને આફ્તાબને બોલાવીને સમજ આપીને જવા દીધો હતો. થોડા સમય પછી શ્રદ્ધાએ ફરિયાદ પાછી ખેંચી લીધી હતી.

શ્રદ્ધાનો વિડિયો પણ બહાર આવ્યો : દરમિયાન શ્રદ્ધાનો એક વિડિયો સામે આવ્યો છે. આ વિડિયો તેના કોલેજ જીવનના સમયનો છે. આ વિડિયોમાં અમુક વિદ્યાર્થીઓ સાથે તેની નાટકની તાલીમ ચાલે છે. રામાયણમાં સીતાહરણ વિષય પર શ્રદ્ધાએ ફક્ત 24 કલાકમાં આ નાટક ગોઠવ્યું હતું એવી માહિતી મળી છે. તે સમયે શ્રદ્ધા બીએમએમના બીજા વર્ષમાં ભણતી હતી.

આફ્તાબનું ચેટ સામે આવ્યું
દરમિયાન આફ્તાબનું વધુ એક ચેટ સામે આવ્યું છે અને તેના કોમન મિત્ર સાથેનું આ ઈન્સ્ટાગ્રામ ચેટ છે. શ્રદ્ધાની હત્યા પછી ચાર મહિના પછીનું આ ચેટ છે. જોકે આ ચેટમાં શ્રદ્ધા બાબતે કોઈ માહિતી નહીં હોવાનું આફ્તાબે મિત્રને જણાવવાનો પ્રયાસ કર્યો છે. આફ્તાબ અને તેના મિત્ર વચ્ચે લગભગ 17 મિનિટ 33 સેકંડનું આ ચેટ છે. મે મહિનામાં આફ્તાબે શ્રદ્ધાની હત્યા કરી હતી, જે પછી શ્રદ્ધા પોતાને છોડીને ચાલી ગઈ એવું બધાને બતાવવાનો પ્રયાસ કરતો હતો. શ્રદ્ધા અને આફ્તાબના કોમન મિત્રએ આ ચેટ પોલીસને આપ્યું છે.

ફડણવીસે પત્ર ગંભીર ગણાવ્યો
દરમિયાન રાજ્યના ગૃહમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું કે 2020માં શ્રદ્ધાએ પોલીસને પત્ર લખ્યો હતો, જે મારી પાસે પણ આવ્યો છે. આ પત્ર અત્યંત ગંભીર છે. જોકે પત્રને આધારે કાર્યવાહી કેમ કરાઈ નથી તેની જાણકારી નથી. આ બાબતે હું કોઈને દોષ આપવા માગતો નથી. જોકે તપાસ થવી જોઈએ. આવા પત્ર પર કાર્યવાહી કેમ થતી નથી.

અન્ય સમાચારો પણ છે...