ભાસ્કર વિશેષ:મુંબઈ મહાપાલિકાની શાળામાં 35,000 વિદ્યાર્થીઓનો પ્રવેશ

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કાયાકલ્પ અને ખાનગી શાળાઓની તોતિંગ ફી પણ આ આકર્ષણ માટે કારણભૂત

સીબીએસઈ, આઈસીએસઈ કેન્દ્રીય શિક્ષણ મંડળોની શાળા અને ઈન્ટરનેશનલ સ્કૂલમાં પ્રવેશ ક્ષમતાને પાછળ મૂકતાં આ વખતે મુંબઈ મહાપાલિકાની શાળાઓમાં પ્રવેશ લેવા માટે વિદ્યાર્થીઓનો ધસારો વધ્યોછે.

હમણાં સુધી આશરે 35,000 વિદ્યાર્થીઓએ મહાપાલિકાની શાળામાં પ્રવેશ લીધો છે.મહાપાલિકા દ્વારા ચાલુ કરવામાં આવેલી અંગ્રેજી માધ્યમ, સીબીએસઈ, આઈસીએસઈ મંડળની શાળા, શાળાની ઈમારતોનું સમારકામ, મૂળભૂત સુવિધાઓ સાથે અન્ય શૈક્ષણિત સગવડોમાં નોંધપાત્ર સુધારણા અને રોજ શૈક્ષણિક કામકાજમાં વિદ્યાર્થીઓને અનુકૂળ ઉપક્રમનો સમાવેશ કરવાને લીધે વાલીઓને મહાપાલિકાની શાળાને ગ્રતા આપવામાં આવી રહી હોવાનું અધિકારીઓ જણાવે છે. વળી, ખાનગી શાળાઓની ફીમાં તોતિંગ વધારો પણ તેમાંથી એક કારણ હોવાનું તેઓ જણાવે છે.

મહાપાલિકાની શાળાઓમાં વિદ્યાર્થીઓની ઘટતી સંખ્યા છેલ્લાં અનેક વર્ષથી ચર્ચાનો વિષય હતી. ઘટતી સંખ્યાને લીધે અનેક શાળા બંધ કરવી પડશે એવું જણાતું હતું. જોકે હવે ચિત્ર બદલાતું હોઈ મહાપાલિકાની શાળાને પસંદગી આપવામાં આવી રહી છે.લોકડાઉન પછી શરૂ થયેલા શૈક્ષણિક વર્ષમાં મહાપાલિકાની શાળાઓમાં 29,000 વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો હતો.

આ વર્ષે પણ વિદ્યાર્થીઓનો ધસારો છે. પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ત્યારથી હમણાં સુધી 35,000 વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો છે. પ્રવેશ પ્રક્રિયા જુલાઈ સુધી ચાલવાની હોવાથી આ સંખ્યા હજુ અનેકગણી વધવાની શક્યતા શિક્ષણ વિભાગના અધિકારીએ વ્યક્ત કરી હતી.

પ્રવેશ ક્ષમતામાં વધારો કરાયો : મહાપાલિકાની સીબીએસઈ અને આઈસીએસઈ શાળાઓ માટે વધતો પ્રતિસાદ ધ્યાનમાં લેતાં આ શાળાઓમાં આ વર્ષે વધુ 960 બેઠક વધારવામાં આવી છે. નર્સરી અને નાના શિશુ (જુનિયર કેજી)ના ક્લાસ માટે પ્રત્યેકી એક વધારાનો ક્લાસ વધારવામાં આવ્યો છે. આ વખતના શૈક્ષણિક વર્ષથી શરૂ થનાર આઈબી અને કેમ્બ્રિજ મંડળની શાળા માટે પણ ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

ચિત્ર કઈ રીતે બદલાયું
મહાપાલિકાની શાળાની ઈમારતો, અભ્યાસક્રમ, શૈક્ષણિક અને મૂળભૂત સુવિધા, અભ્યાસ ઉપરાંત અન્ય ઉપક્રમ સહિતનાં પરિવર્તન લાવવામાં આવ્યાં છે. સીબીએસઈ અને આઈસીએસઈ શાળા શરૂ કરવામાં આવી. કેમ્બ્રિજ અને આઈબી આંતરરાષ્ટ્રીય શિક્ષણ સંસ્થાઓ સાથે શૈક્ષણિક કરાર કરવામાં આવ્યા. ઉપરાંત એકત્રિત પરિણામ તરીકે મહાપાલિકાની શાળામાં પ્રવેશ માટે ધસારો વધ્યો છે.

આ વખતે સૌથી વધુ વિદ્યાર્થીઓએ અંગ્રેજી માધ્યમમાં પ્રવેશ લીધો છે. તે પછી મરાઠી, હિંદી, ઉર્દુ શાળાઓનો ક્રમ આવે છે. સીબીએસઈ, આઈસીએસઈ અને ઈન્ટરનેશનલ સ્કૂલમાં પ્રવેશ ક્ષમતાની તુલનામાં બેગણો પ્રવેશ મહાપાલિકાની શાળામાં થયો છે.

ક્યાં કેટલા પ્રવેશ થયા
પ્રાથમિક 17,287 વિદ્યાર્થી, માધ્યમિક 18,035, કુલ 35,322. અંગ્રેજી 13,681, મરાઠી 8079, હિંદી 6984, ઉર્દુમાં 6039 વિદ્યાર્થીએ પ્રવેશ લીધો છે.

આઈબી અને કેમ્બ્રિજ સાથે કરાર
વિદ્યાર્થીઓની ઘટતી સંખ્યા મોટી ચિંતાની બાબત હતી. આ ચિંતા દૂર કરવા શિક્ષણ વિભાગે અનેક પ્રયોગ કર્યા. વર્ચ્યુઅલ ક્લાસરૂમ શરૂ કર્યા. વિદ્યાર્થીઓને મફત ટેબ આપ્યા. સીબીએસઈ, આઈસીએસઈ મંડળ સાથે શાળા સંલગ્ન કરવામાં આવી. વિદ્યાર્થીઓને આંતરરાષ્ટ્રીય દરજ્જાનું શિક્ષણ મળે તે માટે આઈબી અને કેમ્બ્રિજ આંતરરાષ્ટ્રીય શિક્ષણ મંડળ સાથે કરાર કરવામાં આવ્યા. આથી આ વખતે નવા એક લાખ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનો ઉદ્દેશ રાખવામાં આવ્યો છે.

ગુજરાતી સહિત આઠ માધ્યમ
મહાપાલિકા દ્વારા મરાઠી સાથે ગુજરાતી, હિંદી, અંગ્રેજી, ઉર્દુ, તમિળ, તેલુગુ, કન્નડ એમ આઠ ભાષિક માધ્યમની શાળા ચલાવવામાં આવે છે. નર્સરીથી દસમા સુધી આશરે 1150 શાળામાં હાલ ત્રણ લાખથી વધુ વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે. મહાપાલિકા દ્વારા વિદ્યાર્થીઓને વિવિધ શૈક્ષણિક વસ્તુઓ મફત આપવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...