મુંબઈમાં ખૂબ જ વ્યૂહાત્મક સ્થળ ધરાવતી એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી એવા ધારાવી રિડેવલપ પ્રોજેક્ટનાં પૈડાં હવે ઝડપથી ફરે તેવી શક્યતા છે. અદાણી ગ્રુપ પણ રાજ્ય સરકાર દ્વારા નવા શરૂ કરાયેલા ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટની રેસમાં ઊતર્યું છે. અદાણી ગ્રુપ ઉપરાંત અન્ય બે ડેવલપર્સે ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે ટેન્ડર ભર્યા છે.
ધારાવી એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી તરીકે ઓળખાય છે. તે સિવાય ધારાવીમાં વિવિધ પ્રકારના લઘુ ઉદ્યોગો છે. તેથી મુંબઈ અને દેશના અર્થતંત્રની દ્રષ્ટિએ ધારાવીનું ઘણું મહત્ત્વ છે. ધારાવી રિડેવલપમેન્ટની ચર્ચા છેલ્લા કેટલાક સમયથી ચાલી રહી હતી. મહાવિકાસ આઘાડી સરકારે ઓક્ટોબર 2020માં અગાઉની સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલી ટેન્ડર પ્રક્રિયાને રદ કરી દીધી હતી, જે બાદ ફરીથી પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. મહાવિકાસ આઘાડીની સરકારનું પતન થયા પછી, શિંદે-ફડણવીસ સરકારે ધારાવીના પુનઃવિકાસ માટે નવી ટેન્ડર પ્રક્રિયા લાગુ કરી હતી.
પ્રોજેક્ટ માટે ટેન્ડર પ્રક્રિયામાં ત્રણ ડેવલપર્સે ભાગ લીધો છે. અદાણી ગ્રુપ, નમન ગ્રુપ અને ડીએલએફ કંપનીએ ધારાવી રિડેવલપમેન્ટમાં રસ દાખવ્યો છે. લગભગ 600 એકર જમીન પર લાખો નાગરિકોનું પુનર્વસન કરવામાં આવશે. આ પ્રોજેક્ટ 23 હજાર કરોડ રૂપિયાનો થવાનો છે. મુંબઈ મેટ્રોપોલિટન ઓથોરિટી કમિશનર શ્રીનિવાસને માહિતી આપી છે કે આ ડેવલપર્સ આ પ્રોજેક્ટ માટે લાયક છે, કે કેમ તે અંગેના દસ્તાવેજો હવે તપાસવામાં આવશે.
ધારાવી એક વ્યૂહાત્મક સ્થળ છે
જૂના મુંબઈમાં ધારાવી મુંબઈ શહેરની બહારનું સ્થળ હતું. આ જગ્યાએ ખાડી, ડમ્પિંગ ગ્રાઉન્ડ હતું. તે સિવાય ચામડાનો ઉદ્યોગ મોટા પાયે હતો. જેમ જેમ શહેરનો વિકાસ થતો ગયો તેમ તેમ આ જગ્યાએ ઝૂંપડાઓની સંખ્યા વધવા લાગી. આ સાથે નાના પાયાના ઉદ્યોગોની સંખ્યા વધવા લાગી. હાલમાં ધારાવી મુંબઈમાં એક ખૂબ જ વ્યૂહાત્મક સ્થાન છે જેમાં એક બાજુ બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ છે, અને અહીંથી શહેરના કોઈપણ ભાગમાં જઈ શકાય છે. તેથી ધારાવીના પુનઃવિકાસ પછી આ વિસ્તાર અને મુંબઈનો ચહેરો બદલાઈ જશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.