બોમ્બે હાઇકોર્ટમાં સુનાવણી:બુલેટ ટ્રેન માટે સંપાદિત જમીનનું વળતર ટેક્સ ફ્રી; ગુજરાત, મહારાષ્ટ્રમાં 2,935 કરોડનું વળતર ચૂકવાયું

મુંબઇ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

બોમ્બે હાઇકોર્ટે કહ્યું છે કે મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે હાંસલ કરવામાં આવેલી નેશનલ હાઇ-સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL)ની સંપત્તિના વળતરના રૂપમાં અપાયેલી રકમમાંથી ટેક્સ ના કાપી શકાય. બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં અત્યાર સુધી જમીન સંપાદનના વળતર પેટે 2,935 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે.

જસ્ટિસ એસ.વી. ગંગાપુરવાલા અને જસ્ટિસ એમ.જી. સેવલીકરની બેન્ચે ગુરુવારે સીમા પાટિલ નામની મહિલા દ્વારા દાખલ કરાયેલી એક અરજી પર પોતાનો આદેશ જારી કર્યો હતો, જેણે થાણે જિલ્લાના ભિવંડીમાં પ્રોજેક્ટ માટે પોતાની સંપત્તિના હસ્તાંતરણ કરાયા બાદ NHSRCL દ્વારા આપવામાં આવેલા વળતર પહેલા જ કાપવામાં આવેલા ટેક્સને પરત કરવાની માંગ કરી હતી.

કોર્ટે પોતાના આદેશમાં જણાવ્યું હતું કે અરજદારની જમીનનું એક સાર્વજનિક પ્રોજેક્ટ માટે હસ્તાંતરણ કરવામાં આવ્યું હતું અને વાટાઘાટો તેમજ ખરીદીના માધ્યમથી સંપત્તિના હસ્તાંતરણને એક સાર્વજનિક પ્રોજેક્ટના અમલીકરણની પ્રક્રિયાને ઝડપી બનાવવાની અનુમતિ અપાઇ હતી. બેન્ચે કહ્યું હતું કે જો પક્ષ વાતચીત અને સીધી ખરીદીથી સહમત નહીં થાય, તો અનિવાર્ય હસ્તાંતરણનો સહારો લેવામાં આવશે.

કોર્ટે કરેક્શન સ્ટેટમેન્ટ દાખલ કરવા 1 મહિનાનો સમય આપ્યો| બેન્ચે જણાવ્યું હતું કે વળતરની રકમ માટે વર્તમાન મામલામાં કોઇ ટેક્સ ના લગાડી શકાય. એટલા માટે જ NHSRCL અરજદારને ચૂકવાયેલા વળતરમાંથી ટીડીએસ રકમ કાપી ના શકે. એનએચએસઆરસીએલ દ્વારા હસ્તગત કરાયેલી સંપત્તિને કારણે અરજદાર દ્વારા પ્રાપ્ત કરવામાં આવેલી રકમ પરના ટેક્સમાં છૂટ આપવામાં આવી છે. કોર્ટે એનએચએસઆરસીએલને એક મહિનાની અંદર આ મામલે કરેક્શન સ્ટેટમેન્ટ દાખલ કરવાનો નિર્દેશ કર્યો છે કે પાટિલને વળતરની રકમની ચુકવણી કરતા સમયે તેઓ દ્વારા કાપવામાં આવેલો ટેક્સ યોગ્ય નથી.

બુલેટ ટ્રેન બનાવતી કંપનીએ દાવો કર્યો
​​​​​​​કોર્ટે નિર્દેશ આપ્યો છે કે આવકવેરા વિભાગ કરેક્શન સ્ટેટમેન્ટ પર કાર્યવાહી કરશે અને રકમની પાછી આપવા માટે પગલાં લેશે. પાટિલના વકીલ દેવેન્દ્ર જૈને તર્ક આપ્યો હતો કે જમીનનું હસ્તાંતરણ, પુનર્વાસ અને પુનર્વાસ એક્ટમાં યોગ્ય વળતર અને પારદર્શિતાના અધિકારની જોગવાઇ હેઠળ ચુકવણી કરાયેલી વળતરની રકમ પર ટેક્સની ચુકવણીમાંથી છૂટ અપાઇ છે. જોકે, NHSRCLએ દાવો કર્યો છે કે અરજદાર દ્વારા પ્રાપ્ત કરાયેલી વળતરની રકમ કર માટે યોગ્ય હતી કારણ કે હસ્તાંતરણ પાર્ટીઓની વચ્ચે એક સમજૂતીથી થયું હતું અને તે અનિવાર્ય હસ્તાંતરણ ન હતું. તેઓએ આગળ દાવો કર્યો છે કે પાટિલ અને NHSRCLની વચ્ચે પ્રત્યક્ષ ખરીદી પદ્વતિના માધ્યમથી એક રેકોર્ડ વેચાણ ખત કરવામાં આવ્યું હતું અને આવકવેરાના નિયમો અનુસાર ટેક્સ કાપવામાં આવ્યો હતો. NHSRCL અનુસાર વળતર પર કપાયેલા ટેક્સની રકમને આવકવેરા વિભાગમાં પહેલાં જ જમા કરાવવામાં આવી છે અને પાટિલને ટીડીએસ સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...