સર્વેક્ષણ:એક એનજીઓએ કરેલા સર્વે પ્રમાણે મુંબઈમાં 4 વ્યક્તિ દીઠ ફક્ત એક ઝાડ

મુંબઈ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વૃક્ષ વાવેતર ઝુંબેશ છતાં શહેરમાં કુલ 30 લાખ ઝાડ

વધતું તાપમાન, કાર્બનનું વધેલું ઉત્સર્જન, મહાપૂર, હવા પ્રદૂષણનો સામનો કરતા વૃક્ષની સંખ્યા વધારવા માટે છેલ્લા થોડા વર્ષથી ઝુંબેશ અમલમાં મૂકાઈ રહી છે. આમ છતાં વાસ્તવિકતામાં મુંબઈમાં ચાર વ્યક્તિ દીઠ ફક્ત એક ઝાડ છે. મુંબઈની લોકસંખ્યા અંદાજે 1 કરોડ 30 લાખ જેટલી છે અને મુંબઈમાં ઝાડની કુલ સંખ્યા 30 લાખ હોવાનું એક એનજીઓએ કરેલા સર્વેક્ષણમાં જણાયું છે.

રાજ્યના 36 જિલ્લાઓમાંથી મુંબઈ શહેર અને મુંબઈ ઉપનગરોમાં વૃક્ષ વાવેતરના ઉદ્દેશ અને સફળતાની નિરાશાજનક નોંધ છે. બ્રાઝીલમાં એક વ્યક્તિ દીઠ 1 હજાર 494 ઝાડ, અમેરિકામાં 699, ઈંગ્લેન્ડમાં 47, ફ્રાન્સમાં 203, ચીનમાં 130 ઝાડ છે. ભારતમાં એક વ્યક્તિ દીઠ ફક્ત 28 ઝાડ છે.

મુંબઈમાં ચાર વ્યક્તિ દીઠ એક ઝાડ છે. દર વર્ષે 25 હજાર દેશી ઝાડનું પારંપારિક રીતે વાવેતર કરવામાં આવે છે. છેલ્લા બે વર્ષમાં મિયાવાકી પદ્ધતિથી 4 લાખ ઝાડનું વાવેતર કરવામાં આવ્યાની માહિતી મહાપાલિકા તરફથી આપવામાં આવી હતી.

મહારાષ્ટ્ર (નાગરી ક્ષેત્ર) ઝાડ સંરક્ષણ અને જતન અધિનિયમ 1975નું પાલન મુંબઈમાં થવું જરૂરી છે. રસ્તાની બંને બાજુએ ઝાડ ઉગાડવા જરૂરી છે. દર વર્ષે કેટલાય ઝાડ પડી જાય છે કે કેટલાય ઝાડ તોડી પાડવામાં આવે છે. આ સમયે એ ઠેકાણે બમણા ઝાડનું વાવેતર કરવું અપેક્ષિત છે. એના લીધે શહેર અને ઉપનગરોમાં લીલોતરી દેખાશે એમ પર્યાવરણવાદી ઝોરુ બથેનાએ જણાવ્યું હતું.

પ્રકલ્પો માટે 11 વર્ષમાં 38, 899 ઝાડ તોડ્યા
જંગલ, નદીઓ અને વન્યજીવો સહિત કુદરતી પર્યાવરણનું સંરક્ષણ અને સુધારા કરવા દરેક નાગરિકની ફરજ છે. પ્રશાસને વૃક્ષોની સંખ્યા વધારવા માટે પ્રયત્ન કરવા જોઈએ. વિવિધ પ્રકલ્પ માટે બાંધકામ, રસ્તા અને નાળા માટે મોટા પ્રમાણમાં ઝાડ તોડી પાડવામાં આવે છે. છેલ્લા 11 વર્ષમાં મહાપાલિકાએ 38 હજાર 899 ઝાડ તોડવા અને 36 હજાર 117 ઝાડને ફરીથી વાવેતર કરવા પરવાનગી આપી. એમાંથી સૌથી વધુ ઝાડ તોડવાની પરવાનગી ખાનગી ગ્રુપને આપવામાં આવી. તેથી 21 હજાર 253 ઝાડ કાપવામાં આવ્યા છે એવી માહિતી વોચ ડોગ ફાઉન્ડેશનના ટ્રસ્ટી ગોડફ્રે પિમેંટાએ આપી હતી.

મુંબઈમાં દરેક વોર્ડ પ્રમાણે ઝાડની સંખ્યા
મુંબઈમાં અત્યારે 29 લાખ 75 હજાર ઝાડ છે. સૌથી વધુ એન વોર્ડમાં (ઘાટકોપર) કુલ 2 લાખ 92 હજાર ઝાડ છે. સૌથી ઓછા સી વોર્ડમાં (કાલબાદેવી) કુલ 5 હજાર 765 ઝાડ છે. સૌથી વધારે સરકારી ઝાડ એસ વોર્ડમાં (ભાંડુપ) ખાતે કુલ સરકારી 1 લાખ 19 હજાર ઝાડ છે. સૌથી વધારે ખાનગી ભાગમાં ઝાડ પી/એન વોર્ડમાં (મલાડ) કુલ 1 લાખ 70 હજાર ઝાડ છે.

અન્ય સમાચારો પણ છે...