નાગપુર સમૃદ્ધિ એક્સપ્રેસ હાઈવે પર નાગપુરથી શિર્ડીના તબક્કાનો રસ્તો વાહનવ્યવહાર માટે શરૂ કરવામાં આવ્યો એ પછી થોડા જ કલાકમાં અકસ્માત થયો હતો. વાયફળ ટોલનાકા ખાતે ટોલ ભરવા ઊભેલી કારને પાછળથી પુરપાટ ઝડપે આવતી બીજી કારે ટક્કર મારી હતી. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જીવહાની થઈ નહોતી કે કોઈ પણ પ્રવાસી જખમી થયા નહોતા. જો કે બંને કારનું ઘણું નુકસાન થયું હતું. સમૃદ્ધિ એક્સપ્રેસ હાઈવે પર નાગપુરથી શિર્ડી સુધી 520 કિલોમીટરનો રસ્તો વાહનવ્યવહાર અને નાગરિકો માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.
એ પછી પહેલા જ દિવસે હાઈવે પર અકસ્માત થયો હતો. નાગપુર ખાતેના વાયફલ ટોલનાકા પર ટોલ ભરવા ઊભી રહેલી એક કારને બીજી કારે પાછળથી ટક્કર મારી હતી. ટોલનાકા પર પૂરઝડપે પાછળથી આવી રહેલી કારની સ્પીડ કલાકના 100 થી 120 કિલોમીટર હતી. ટોલનાકા પર આટલી સ્પીડમાં કાર લાવવી ડ્રાઈવરની ભૂલ હોવાથી એના કારણે જ આ અકસ્માત થયો હોવાની માહિતી મહારાષ્ટ્ર રાજ્ય રસ્તા વિકાસ મહામંડળના વરિષ્ઠ અધિકારીએ આપી હતી.
વાહનચાલકોને નિયંત્રિત કરવા ટૂંક સમયમાં જરૂરી ઉપાયયોજનાઓની અમલબજાવણી કરવામાં આવશે એમ તેમણે જણાવ્યું હતું. દરમિયાન સમૃદ્ધિ એક્સપ્રેસ હાઈવે પર કામ ચાલુ હતું એ સમયે પણ નાનામોટા અકસ્માત થયા હતા અને એમાં પ્રવાસીઓના મૃત્યુ પણ થયા હતા. જો કે લોકાર્પણ બાદ થયેલો આ પહેલો અકસ્માત હોવાથી સમૃદ્ધિ એક્સપ્રેસ હાઈવે પર સુરક્ષિત પ્રવાસનો મુદ્દો સપાટી પર આવ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.