પોતાના માટે ઓનલાઈન મસાજ સેવા સર્ચ કરતી વખતે એક શખસને એસ્કોર્ટ વેબસાઈટ પર પત્ની અને બહેનનો ફોટો જોઈને જબરદસ્ત આંચકો લાગ્યો હતો. તેણે તુરંત સાઈબર પોલીસમાં ફરિયાદ કરી હતી. આ પછી પોલીસે તુરંત તપાસ કરીને વેબસાઈટ પર ફોટો અપલોડ કરનારી મહિલાની ધરપકડ કરી છે.
ખારના રહેવાસી યુવાન સાથે આ ઘટના બની હતી. વેબસાઈટ પર ફોટો જોયા પછી તેણે સૌપ્રથમ પત્ની અને બહેનને આ વિશે પૂછ્યું ત્યારે તેમણે ફોટો ચાર વર્ષ જૂનો હોવાનું જણાવ્યું હતું. બંનેએ તે ફોટો ચાર વર્ષ પૂર્વે પાડ્યા હતા અને તેમના સોશિયલ મિડિયા અકાઉન્ટ પર પોસ્ટ કર્યા હતા. આ પછી શખસે વધુ તપાસ કરવાનું નક્કી કર્યું.
તેણે વેબસાઈટ પર મસાજ સેવા બુકિંગ માટે આપેલા ફોન નંબર પર સંપર્ક કર્યો હતો. એક મહિલાએ ફોન ઉપાડ્યો હતો. તે મહિલાએ તેને ખારની એક હોટેલમાં મળવા માટે બોલાવ્યો હતો.મહિલા મળ્યા પછી શખસે પત્ની અને બહેનના વેબસાઈટ પર ફોટો કઈ રીતે આવ્યા એવી પૂછપરછ શરૂ કરી. મહિલાએ તેને ધક્કો મારીને ભાગવાનો પ્રયાસ કર્યો. શખસે ત્યાં હાજર અન્યોની મદદથી હેમખેમ મહિલાને પકડી અને તેનો પોલીસ સ્ટેશનમાં લઈ જવાઈ હતી.
તપાસ પછી પોલીસે તેની ધરપકડ કરી હતી. તેને રેશ્મા યાદવ તરીકે ઓળખી કાઢવામાં આવી હતી. એસ્કોર્ટ અને મસાજ સેવાઓ ચલાવતી ટોળકીનો તે પણ હિસ્સો હોવાનું જણાયું હતું. આ ટોળકી સોશિયલ મિડિયા પરથી સુંદર મહિલાઓના ફોટો લઈને પોતાની વેબસાઈટ પર અપલોડ કરે છે એવું બહાર આવ્યું છે. પોલીસે હવે મહિલાના સાગરીતોની શોધખોળ શરૂ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.