પાલઘર જિલ્લામાં વસઈ ખાતે ગરીબ માતા- પિતાનો ગેરફાયદો લેતાં તેમનું બે વર્ષનું બાળક રૂ. 2.35 લાખમાં વેચાતું લેવા સંબંધે ક્રાઈમ બ્રાન્ચે ચાર જણની ધરપકડ કરી છે, જેમાં એક આરોપી ગુજરાતના વલસાડનો રહેવાસી છે. આરોપીએ આ અગાઉ પણ બાળકો વેચાતા લીધા હોવાની શંકા છે, જેને તપાસ ચાલુ છે.ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-3ના સિનિયર પીઆઈ પ્રમોદ બદખે જણાવ્યું હતું કે 27 ડિસેમ્બરે એક દંપતી, બે મહિલા સહિત પાંચ જણ પાલઘરમાં બે વર્ષના બાળકનાં માતા- પિતાને મળવા માટે આવ્યાં હતાં. આરોપીઓએ સમજાવ્યું કે તેઓ બાળકની સારી રીતે સંભાળ રાખશે.
ઉપરાંત બાળકને અમુક વાર મળવાની તક આપશે એમ પણ માતા- પિતાને જણાવ્યું હતું. આ પછી રૂ. 2.35 લાખ આપીને બાળક ખરીદી લીધું હતું. જોકે બાદમાં બાળકની માતાએ વિરાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.પોલીસે ચાર જણની ધરપકડ કરી હતી. તેમાં બાળકને ખરીદી કરનારા ગુજરાતના વલસાડના શખસનો પણ સમાવેશ થાય છે. અન્ય આરોપીઓની શોધ ચાલુ છે, એમ તેમણે જણાવ્યું હતું.ભારતીય દંડ સંહિતાની જોગવાઈઓ અને જુવેનાઈલ જસ્ટિસ એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. બાળકને ગુરુવારે તેનાં માતા- પિતાને સોંપવામાં આવ્યું હતું, એમ બદખે જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.