બોરીવલી સ્ટેશન પર ટ્રેન દુર્ઘટનામાં શિક્ષિકાનું મોત થયું હતું. તે નાલાસોપારા વિસ્તારમાં રહેતી હતી. તેના મૃત્યુના સમાચાર વાયુવેગે પ્રસરી જતાં શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા શોકની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી.
નાલા સોપારાની 35 વર્ષીય શિક્ષિકા પ્રગતિ અશોક ઘરત બોરીવલી રેલવે સ્ટેશન પર દોડીને લોકલ પકડવાનો પ્રયાસ કરી રહી હતી. તે સમયે તે ટ્રેનની અડફેટે આવી ગઈ હતી. તેને ગંભીર ઈજા સાથે હોસ્પિટલમાં લઈ જવાઈ હતી, પરંતુ ડોક્ટરોએ મૃત ઘોષિત કરી હતી.
પ્રગતિ બોરીવલીમાં એક અંગ્રેજી શાળામાં ભણાવતી હતી. 10 જાન્યુઆરીની સવારે તે ઉતાવળે લોકલ પકડવા ગઈ હતી. તે સમયે બેલેન્સ ગુમાવતાં લોકલ અને પ્લેટફોર્મ વચ્ચે ફસાઈ ગઈ હતી, જેમાં તેનું મોત થયું હતું. આ ઘટનાનો સીસીટીવી વિડિયો વાઈરલ થયો છે.
તેમાં દેખાઈ રહ્યું છે, કે વિરાર જતી ફાસ્ટ લોકલ બોરીવલી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પરથી નીકળી રહી છે. તે સમયે બૂમો પાડવાના કારણે કેટલાક પ્રવાસીઓએ પાછળ જોયું તો એક મહિલા ટ્રેનની અડફેટે આવી હતી. બે મહિલાઓએ શિક્ષિકાને ખેંચી કાઢી હતી. બાદમાં તેને હોસ્પિટલમાં લઈ જવાઈ હતી, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.