નિષ્ણાતોની અભૂતપૂર્વ કામગીરી:કામદારના શરીરમાંથી તીક્ષ્ણ સળિયો કાઢી જીવતદાન આપ્યું

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાંદરાની ભાભી મહાપાલિકા હોસ્પિટલના તબીબી નિષ્ણાતોની અભૂતપૂર્વ કામગીરી

ઝાડ પરથી કમ્પાઉન્ વોલ પર પર પડેલા એક કામગારની છાતી નજીક ધારદાર સળિયો ઘૂસીને તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. બાંદરાની મહાપાલિકાની કે બી ભાભા હોસ્પિટલના તબીબી નિષ્ણાતો દ્વારા તાકીદે ઉપચાર કરીને તેનો જીવ બચાવ્યો છે. આશરે એક અઠવાડિયાની દેખરેખ પછી તેને રજા આપવામાં આવી છે. બેથી ત્રણ અઠવાડિયાના આરામ પછી તે સંપૂર્ણ સાજો થઈ જશે, એમ ડોક્ટરોએ જણાવ્યું છે.

મહાપાલિકાનાં મુખ્ય મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડો. વિદ્યા ઠાકુરે જણાવ્યું કે બાંદરા વિસ્તારમાં મજૂરીકામ કરતો 22 વર્ષનો કામગાર ઝાડ પર ચઢ્યો હતો. તે સમયે સંતુલન ગુમાવતાં તે નીચે પડ્યો હતો. અહીં કમ્પાઉન્ડ વોલ પર તે પડ્યો હતો, જેની પરનો લોખંડનો ધારદાર સળિયો તેની છાતીના મુખ્ય ભાગમાં ઘૂસી ગયો હતો. ઊંચાઈ પરથી પડતાં આ સળિયો તૂટી ગયો હતો અને તે નીચે પડીને લોહીલુહાણ થઈ ગયો હતો.

26 જુલાઈના સવારે 9.30 વાગ્યે આ ઘટના બની હતી.કામગારના સહયોગીઓ તેને તુરંત ભાભા હોસ્પિટલમાં લાવ્યા હતા. તેનું લોહી બહુ વહી ગયું હતું અને સ્થિતિ ગંભીર હતી. તબીબી નિષ્ણાતોએ તુરંત શસ્ત્રક્રિયા કરવાનો નિર્ણય લીધો હતો. શસ્ત્રક્રિયા પૂર્વે એક્સ- રે કરાતાં કામગારની છાતી નજીક ઘૂસેલો સળિયો સદનસીબે ફેફસા સુધી પહોંચ્યો નહોતો.

આથી ફેફસામાં ઈજા થઈ નહોતી. જોકે એક પાંસળી તૂટી ગઈ હતી અને રક્તસ્રાવ વધુ થવાથી તેની સ્થિતિ ગંભીર હતી.એનેસ્થેટિસ્ટ ડો. વરુણ નાઈક અને ડો. સોનાલી કાગડેએ દર્દીને કુશળતાપૂર્વક એનેસ્થેશિયા આપ્યું અને તે પછી તુરંત શસ્ત્રક્રિયા શરૂ કરવામાં આવી.

શલ્યચિકિત્સા વિભાગના વરિષ્ઠ સલાહકાર ડો. વિનોદ ખાડે, ડો. અમિત દેસાઈ, ડો. શ્રદ્ધા ભોને અને નર્સ માનસી સરવણકર, રેશ્મા પાટીલની ટીમે આશરે એક કલાકની શસ્ત્રક્રિયાને અંતે સળિયો સફળતાથી બહાર કાઢ્યો હતો, જે સાથે કામગાર પણ જોખમમાંથી બહાર આવી ગયો હતો. દુર્ઘટના સર્જાયા પછી કામગારના સાથીઓ તુરંત હોસ્પિટલમાં લાવતાં લોહી આપવાની જરૂર પડી નહોતી.

મુશ્કેલ શસ્ત્રક્રિયા સફળ
કામગારના શરીરમાં સળિયો બહાર કાઢ્યા પછી ઊંડાણમાં જખમને લીધે ફેફસા નજીક અને હૃદય નજીક અંતર્ગત રક્તસ્રાવ જમા નહીં થાય અને હવા ભરાય તો તે બહાર કાઢી શકાય તે માટે નળી નાખવામાં આવી હતી. અત્યંત મુશ્કેલ આ શસ્ત્રક્રિયા સફળતાથી પૂર્ણ થયા પછી દર્દીને એક દિવસ આઈસીયુમાં રાખવામાં આવ્યો હતો. ઉપચારને સારો પ્રતિસાદ આપતાં તેને જનરલ વોર્ડમાં લાવવામાં આવ્યો હતો. આશરે એક અઠવાડિયાના તબીબી ઉપચાર પછી અને યોગ્ય આહાર આપ્યા પછી તબિયત સુધરવાથી તેને ઘરે મોકલવામાં આવ્યો છે. બે-ત્રણ અઠવાડિયા આરામ પછી તે ફરીથી તેની પૂર્વવત કામગીરીઓ કરી શકશે, એમ હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડો. સંજય પાટીલે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...