મહારાષ્ટ્રમાં ગાજેલી રાજ્યસભાની ચૂંટણીમાં મતદાન પૂરું થયા પછી પણ નવા નવા ટ્વિસ્ટ આવ્યા હતા. મહાવિકાસ આઘાડીના ત્રણ મત સામે ભાજપે વાંધો ઉઠાવીને તે મત બાદબાકી થાય એવી માગણી ચૂંટણી નિર્ણય અધિકારીને કરી હતી, પરંતુ તેમની પાસેથી દાદ નહીં મળતાં કેન્દ્રીય ચૂંટણી પંચ પાસે પત્ર લખીને કરી હતી, જેને કારણે સાંજે 5 વાગ્યે મતગણતરી શરૂ થવાની હતી તે કલાકો સુધી વિલંબમાં મુકાઈ હતી. પંચે આઘાડીના જિતેન્દ્ર આવ્હાડ, સુહાસ કાંદે, યશોમતી ઠાકુરના મતદાન સમયના વિડિયો મગાવ્યા હતા.
ચૂંટણીની મતપત્રિકા ભર્યા પછી સંબંધિત વિધાનસભ્યએ પોતાના જૂથે નિમેલા પ્રતિનિધિને પોતાની મતપત્રિકા બતાવવાનું જરૂરી હોય છે. જિતેન્દ્ર આવ્હાડે પોતાની મતપત્રિકા રાષ્ટ્રવાદીના પ્રદેશાધ્યક્ષ જયંત પાટીલને બતાવવાને બદલે તેમના હાથમાં આપી દીધી. યશોમતી ઠાકુરે પણ કોંગ્રેસના પ્રદેશાધ્યક્ષના હાથમાં મતપત્રિકા આપી દીધી. શિવસેનાના વિધાનસભ્ય સુહાસ કાંદેએ પણ તે જ ભૂલ કરી. આથી ત્રણેય મત બાદબાકી થાય એવી માગણી ભાજપે કરી હતી. શિવસેનાના સંજય રાઉતે જણાવ્યું ભાજપનો ઈડીનો દાવ ફસાઈ ગયો હવે ચૂંટણીપંચને લાવીને રડીનો દાવ શરૂ કર્યો છે.
દરમિયાન ભાજપના સુધીર મુનગંટીવાર અને રવિ રાણાના મતદાન સામે શિવસેનાએ વાંધો ઉઠાવીને કેન્દ્રીય ચૂંટણીપંચને ફરિયાદ કરી હતી. શિવસેનાના નેતા અનિલ પરબ અને અનિલ દેસાઈએ પંચને પત્ર લખીને ફરિયાદ કરી હતી. તેમાં ભાજપ તરફી અપક્ષ વિધાનસભ્ય રવિ રાણાએ મતદાન પછી મતપત્રિકાને બદલે હનુમાન ચાલીસા બતાવી એવો આરોપ કરાયો હતો. સુધીર મુનગંટીવારે મતપત્રિકા પક્ષના પ્રતિનિધિને બતાવી હોવાનો આરોપ કરાયો હતો.
શુક્રવારે મધરાત્રે લગભગ 1.00 વાગ્યે પંચે નિર્ણય જાહેર કર્યો હતો. તે મુજબ નાશિક જિલ્લાના વિધાનસભ્ય સુહાસ કાંદેનો મત બાદબાકી કરવામાં આવ્યો જ્યારે આવ્હાડ અને યશોમતી ઠાકુરના મત યોગ્ય ઠરાવવામાં આવ્યા હતા. બીજી બાજુ શિવસેનાએ ફરિયાદ કરી હતી કે મુનગંટીવાર અને રવિ રાણાના મત પંચે યોગ્ય ઠરાવ્યા હતા. આથી કાંદેની મતપત્રિકા બાજુમાં મૂકીને મતગણતરી કરવાનો આદેશ પંચે આપ્યો હતો, જે પછી 1.40 વાગ્યે મતગણતરી શરૂ થઈ હતી. સવારે 4.00 વાગ્યે પરિણામ જાહેર કરાયાં હતાં.
શિવસેનાનો મત બાદ શા માટે થયો
ચૂંટણીપંચ અનુસાર કાંદેએ મત આપ્યા પછી ગડી કરેલી મતપત્રિકા લઈને તેઓ અહીંતહીં ફરતા હતા. આથી અન્યોને પણ મતપત્રિકા દેખાઈ હોવાથી નિયમોનું ઉલ્લંઘન થયું હતું, જેથી તેમનો મત બાદબાકી કરાયો હતો. આ મત શિવસેનાના નેતા સંજય રાઉતના ક્વોટાનો હોવાનું જાણવા મળે છે.
અહમદ પટેલના કેસનો આધાર
2017ની રાજ્યસભાની ચૂંટણીમાં ઉમેદવારે ટેક્નિકલ નિયમોનું ઉલ્લંઘન કરવાથી મતદાન પછી મતગણતરી અટકાવી દેવામાં આવી હતી. આથી એક મત બાદબાકી થવાથી મતોનો ક્વોટા બદલાવાથી અહમદ પટેલ ઉક્ત અડધા મતથી જીતી ગયા હતા. ભાજપે તે જ મુદ્દાનો આધાર લઈને આ ચૂંટણીમાં આઘાડીના ત્રણ મત સામે વાંધો ઉઠાવ્યો હતો, જેમાં તેને સફળતા મળી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.