મહાપાલિકા સજ્જ:મુંબઈમાં ચોમાસામાં પૂર જેવી સ્થિતિ માટે નૌકાદળની ટીમ તહેનાત કરાશે

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોલાબા, વરલી, માનખુર્દ, મલાડ અને ઘાટકોપરમાં 5 પૂર બચાવ ટીમ મહાપાલિકા સજ્જ

ચોમાસામાં મુંબઈમાં પૂર જેવી આપત્કાલીન પરિસ્થિતિ ઊભી થાય તો બચાવકાર્ય માટે કોલાબા, વરલી, માનખુર્દ, મલાડ અને ઘાટકોપરમાં નૌકાદળની 5 પૂર બચાવ ટીમ તહેનાત કરવામાં આવશે. ઉપરાંત અંધેરીમાં 3 અને ભેખડ ધસી પડવાની શક્યતાવાળા ઠેકાણે એનડીઆરએફની 2 ટીમ સજ્જ રાખવામાં આવશે. નેવીના અધિકારીઓ અને સૈનિકોના સમાવેશવાળી 500 જણની ટીમ આપત્કાલીન સ્થિતિ માટે સજ્જ રાખવામાં આવશે એવી માહિતી અતિરિક્ત આયુક્ત પી. વેલરાસુએ આપી હતી.

હવામાન ખાતાએ આપેલી માહિતી અનુસાર મોનસૂન કારવારમાં દાખલ થયો છે અને આગામી અઠવાડિયે મુંબઈ પહોંચે એવી શક્યતા છે. આ પાર્શ્વભૂમિ પર મહાપાલિકા પ્રશાસન અને મુંબઈના મ્હાડા, રેલવે, નેવી, પોલીસ જેવા તમામ પ્રાધિકરણની બેઠક મહાપાલિકામાં પાર પડી હતી. આ સમયે અતિરિક્ત આયુક્ત અશ્વિની ભીડે, આશિષ શર્મા, ડો. સંજીવકુમાર, બેસ્ટના મહાવ્યવસ્થાપક લોકેશ ચંદ્ર વગેરે ઉપસ્થિત હતા. બીજા પ્રાધિકરણના બધા કામ ચોમાસા પહેલાં સુરક્ષિત હાલતમાં કરવાનો નિર્દેશ મહાપાલિકા તરફથી આપવામાં આવ્યો હતો.

ચોમાસામાં પૂરની સ્થિતિ ઊભી થાય તો નાગરિકોના સ્થળાંતર માટે 20 લાઈફગાર્ડ તરાપા તૈયાર રાખવામાં આવશે. સમુદ્રકિનારે અગ્નિશમન દળ, પોલીસ, પેટ્રોલિંગ વાહન, 6 રેસ્ક્યૂ બોટ્સ, 12 તરાપા, 42 લાઈફ જેકેટ્સ વગેરે તૈયાર રાખવામાં આવશે. હેલ્પલાઈન નંબર 1916 સહિત 60 અતિરિક્ત લાઈન્સ મુંબઈગરાઓ માટે 24 કલાક ચાલુ રહેશે. નદી, તળાવમાં પાણીની સપાટીમાં વધારાની જાણ થાય તો રડાર લેવલ ટ્રાન્સમીટર લગાડવામાં આવશે. દરેક પ્રશાસકીય વોર્ડમાં વિભાગીય નિયંત્રણ કક્ષની સુવિધા હશે.

24 પ્રશાસકીય વોર્ડમાં દરેકમાં 5 સ્કૂલમાં હંગામી નિવાસની વ્યવસ્થા રાખવામાં આવશે. મહાપાલિકા, અગ્નિશમન દળ અને ટીમ ચોમાસા પહેલાં જોખમકારક ઈમારતોની રેકી કરશે. નાગરિકો ખાડાની ફરિયાદ નોંધાવી શકે એ માટે મહાપાલિકાના વોટ્સએપ ચેટબોટ નંબર સહિત મહાપાલિકાના એન્ડ્રોઈડ એપ અને વેબસાઈટ પર પણ ફરિયાદ નોંધાવી શકાશે. ફરિયાદ બાદ ઓછામાં ઓછા 24 અને વધુમાં વધુ 48 કલાકમાં ખાડા બુઝાવવામાં આવશે.

અતિવૃષ્ટિનો ઈશારો 3 કલાક પહેલાં મળશે
ચોમાસામાં નાગરિકોને જોખમનો ઈશારો આપતું એપ મહાપાલિકાએ ડેવલપ કર્યું છે. આ ડિઝાસ્ટર મેનેજમેંટ એપ પ્લે સ્ટોરમાંથી મોબાઈલમાં ડાઉનલોડ કરી શકાશે. આ એપ પર અતિવૃષ્ટિ થવાની હશે તો 3 કલાક પહેલાં જ એલર્ટ મળશે. ઉપરાંત કોઈ રસ્તા પર પાણી ભરાયેલું હશે, રસ્તો બંધ હશે તો કે દુર્ઘટના બની હશે તો એનો એલર્ટ પણ એપ પર મળશે.

અન્ય સમાચારો પણ છે...