આજે ઘણા બધા લોકો ચાલતી વખતે, કાર કે બાઈક ડ્રાઈવ કરતી વખતે બ્લુટૂથના માધ્યમથી મોબાઈલ ફોન પર વાતો કરતાં જોવા મળે છે. આ રીતે વાતો કરનારાને લીધે અનેક વાર ગેરસમજ થતી હોય છે. આવો એક મામલો કોર્ટમાં પહોંચ્યા પછી બ્લુટૂથને લીધે ગેરસમજ થઈ છે એવું અવલોકન કરીને વ્યાવસાયિકને કોર્ટે છોડી મૂક્યો છે.
કાલબાદેવી કોર્ટે 32 વર્ષીય વ્યાવસાયિકનો નિર્દોષ છુટકારો કર્યો છે. એક મહિલા સોફ્ટવેર એન્જિનિયર દ્વારા આ વ્યાવસાયિક એક મહિનાથી તેનો પીછો કરે છે અને સતામણી કરે છે એવો આરોપ કર્યો હતો. 2019ની આ ઘટના છે. આરોપનો સામનો કરતો વ્યાવસાયિક સંબંધિત મહિલાની નજીક આવીને ગૂડ મોર્નિંગ કહે છે એવો આરોપ હતો. આ મામલો કોર્ટમાં પહોંચ્યો. મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ જુગલકિશોર પાઠકે જણાવ્યું કે જો પીછો કરનારી વ્યક્તિનો સંબંધિત મહિલાનો પીછો કરવાનો ઈરાદો હોત તો તેણે સંબંધિત મહિલાની ઓફિસનો સમય પૂરો થયા પછી તેનો નિયમિત પીછો કર્યો હોત.
મુંબઈ જેવા શહેરમાં સવારના સમયે અનેક લોકો ફરવા માટે બહાર નીકળે છે અથવા કામધંધા માટે બહાર નીકળે છે ત્યારે બ્લુટૂથ પર વાતો કરતા હોય છે. તેમાંથી ગેરસમજ થતાં મહિલાએ પેલી વ્યક્તિ છેડતી કરે છે એવો આરોપ કર્યો હતો. સુનાવણી સમયે કોર્ટે અવલોકન કર્યું કે જો આરોપીનો પીછો કરવાનો ઈરાદો હોત તો તેણે સંબંધિત મહિલાનો ઓફિસમાંથી ઘરે પાછી જતી વખતે પીછો કર્યો હોત.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.