મધ્ય રેલવેના ખારકોપર સ્ટેશન નજીક 28 ફેબ્રુઆરીના લોકલના ત્રણ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. મધ્ય રેલવેના સંબંધિત વિભાગે યુદ્ધના ધોરણે લોકલના ત્રણ ડબ્બા પાટા પર ચઢાવી 11 કલાકે લોકલ સેવા પૂર્વવત કરી હતી. આ દુર્ઘટના પાછળ ચોક્કસ શા કારણ હતા એ હજી સ્પષ્ટ થયું નથી. આ દુર્ઘટનાનો અહેવાલ બેત્રણ અઠવાડિયામાં રજૂ થાય એવી શક્યતા મધ્ય રેલવે તરફથી વ્યક્ત કરવામાં આવી છે.
દરમિયાન આ ઘટનાની તપાસ વિભાગીય અધિકારીના બદલે મુખ્યાલયના અધિકારીઓ મારફત કરવામાં આવશે.નેરુલ-ખારકોપર અને બેલાપુર-ખારકોપર રેલવે માર્ગ નવેમ્બર 2018ના શરૂ કરવામાં આવ્યો હતો. આ માર્ગ પર 12 ડબ્બાની બે લોકલની 40 ફેરી થાય છે. આ માર્ગ પરથી દરરોજ 38 થી 40 હજાર પ્રવાસીઓ પ્રવાસ કરે છે.
ફેબ્રુઆરી 28ના સવારના 8.46 કલાકે બેલાપુર-ખારકોપર માર્ગ પર ખારકોપર સ્ટેશન નજીક લોકલના ત્રણ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ લોકલમાં પ્રવાસીઓની ગિરદી ન હોવાથી કોઈ જખમી થયું નહોતું એવો દાવો મધ્ય રેલવેએ કર્યો છે. આ દુર્ઘટના પછી તરત રેલવેની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને લોકલના ડબ્બા પાટા પર મૂકવાનું કામ યુદ્ધના ધોરણે કર્યું.
આ સમય દરમિયાન બેલાપુર-નેરુલ, ખારકોપર લોકલ સેવા બંધ કરવામાં આવી હતી. આ લોકલ સેવા 11 કલાકે શરૂ કરીને નેરુલ સ્ટેશનથી સાંજે 7.42 વાગ્યે ખારકોપર માટે પહેલી ટ્રેન છોડવામાં આવી હતી. જો કે હજી આ ઘટના પાછળનું કારણ સ્પષ્ટ થયું નથી. પ્રાથમિક દુર્ઘટના અહેવાલ સંબંધે કોઈ માહિતી ઉપલબ્ધ કરવામાં આવી નથી. આગામી બેત્રણ અઠવાડિયામાં સંપૂર્ણ ઘટનાનો ઉકેલ આવશે એવો દાવો મધ્ય રેલવેના વરિષ્ઠ અધિકારીઓ તરફથી કરવામાં આવ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.