તગડી કમાણી:ખુદાબક્ષો પાસેથી 3 માસમાં 65.66 કરોડનો દંડ વસૂલ

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગત વર્ષની તુલનામાં પશ્ચિમ રેલવે દ્વારા 785% વધુ દંડ વસૂલ કરવામાં આવ્યો

પશ્ચિમ રેલવેની ટ્રેનમાં ટિકિટ વિના, અનિયમિત પ્રવાસ કરતા અને લગેજ નહીં બુક કરાવનાર પાસેથી દંડ વસૂલીમાં તગડી કમાણી થઈ રહી છે. એપ્રિલથી જૂન 2022ના ત્રિમાસિકમાં પશ્ચિમ રેલવેને ટિકિટ ચેકરો (ટીસી) દ્વારા 9.44 લાખ કેસ પકડી પાડ્યા હતા, જેમની પાસેથી રૂ. 65.66 કરોડની દંડ વસૂલી કરવામાં આવી છે, જે ગત વર્ષની તુલનામાં 785 ટકાનો વધારો દર્શાવે છે.

ઉપનગરીય ટ્રેનો, મેઈલ અને એક્સપ્રેસ તેમ જ પ્રવાસી ટ્રેનો અને હોલીડે સ્પેશિયલમાં ઘણા બધા પ્રવાસીઓ ટિકિટ વિના ઘૂસી જાય છે. અમુક પ્રવાસીઓ પાસની તારીખ પૂરી થયા પછી પણ યાદ નહીં રહેતાં પકડાઈ જાય છે. પશ્ચિમ રેલવે દ્વારા આવા લોકોને રોકવા માટે સમયાંતરે વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવે છે.

પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે જણાવ્યું હતું કે જૂન 2022માં 2.69 લાખ કેસ પકડીને રૂ. 17.86 કરોડનો દંડ વસૂલ કરાયો હતો. નાણાકીય વર્ષ 2022-23ના પ્રથમ ત્રિમાસિકમાં 9.44 લાખ કેસ પકડી પાડવામાં આવ્યા હતા, જ્યારે ગત વર્ષે આ જ સમયગાળામાં 1.39 લાખ કેસ પકડી પાડવામાં આવ્યા હતા. આ તુલના જોતાં 578 ટકાનો અતુલનીય વધારો થયો છે. રૂ. 65.66 કરોડની દંડ વસૂલી ગયા વર્ષના રૂ. 7.42 કરોડ પરથી 785 ટકાનો નોંધપાત્ર વધારો દર્શાવે છે.

ઝુંબેશ વધુ ઉગ્ર બનાવાશે : યોગ્ય પાસ અથવા ટિકિટ વિના પ્રવાસ કરનારને કારણે યોગ્ય પાસ અથવા ટિકિટ લઈને પ્રવાસ કરનારા પ્રવાસીઓને પણ અસુવિધા થાય છે. આથી જ અનધિકૃત પ્રવાસીઓને પકડી પાડવા માટે ઝુંબેશ ચલાવવામાં આવે છે. આગામી દિવસોમાં આ ઝુંબેશને વધુ ઉગ્ર બનાવવામાં આવશે, એમ તેમણે જણાવ્યું હતું.

એસી લોકલમાં અનધિકૃત પ્રવેશ
દરમિયાન એસી લોકલ ટ્રેનોમાં પણ મોટે પાયે ખુદાબક્ષો ઘૂસી જતા હોય છે. તેમને પકડી પાડવા માટે પણ વિશેષ ઝુંબેશ નિયમિત રીતે હાથ ધરવામાં આવે છે. આ ઝુંબેશમાં પ્રથમ ત્રિમાસિકમાં 7001 અનધિકૃત પ્રવાસીઓને પકડી પાડીને તેમની પાસેથી દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. અસુવિધા ટાળવા માટે સામાન્ય નાગરિકોએ હંમેશાં યોગ્ય અને પ્રમાણિત ટિકિટો લઈને જ પ્રવાસ કરવો, એવો અનુરોધ પણ તેમણે કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...