ભક્તી:ચાર દિવસમાં લાલબાગચા રાજાને ચરણે 1.50 કરોડનું દાન ભેગું થયું

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભારે વરસાદ વચ્ચે પણ ભક્તો દર્શન કરવા માટે ઊભા રહ્યા

શિંદે- ફડણવીસ સરકાર સત્તા પર આવ્યા પછી આ વખતે કોરોનાનાં બધાં જ નિયંત્રણો હટાવી લેવાતાં મુંબઈ સહિત રાજ્યમાં ગણેશોત્સવનો માહોલ જબરદસ્ત છવાયો છે. બલકે, આ વખતે મુંબઈનાં વિવિધ ગણેશ પંડાલ ખાતે ભક્તોની જબરદસ્ત ભીડ જોવા મળી રહી છે.

તેમાંય પ્રસિદ્ધ લાલબાગચા રાજાનાં દર્શન કરવા માટે ભક્તોના એવી ભીડ જામી છે કે ટ્રાફિક પોલીસને આ માર્ગ પરથી મુંબઈ તરફ જતો રસ્તો એક બાજુ બંધ કરી નાખવો પડ્યો છે. દેખીતી રીતે જ ભક્તોની ભીડ સાથે દાનપેટીમાં દાન પણ મોટે પાયે ભેગું થઈ રહ્યું છે. છેલ્લા ચાર દિવસમાં લાખ્ખો ગણેશભક્તોએ લાલબાગચા રાજાનાં દર્શન લીધાં છે.તેમાંથી અનેક લોકોએ આપેલાં દાનની વાત કરીએ તો છેલ્લા ચાર દિવસમાં 1 કરોડ 50 લાખ રૂપિયાનું દાન લાલબાગચા રાજાની દાનપેટીમાં જમા થયું છે. કોરોના મહામારી પછી સંપૂર્ણ ક્ષમતા સાથે ગણેશોત્સવ આ વખતે ઊજવાઈ રહ્યો છે.

આથી આ વખતે ગણેશોત્સવનો ઉત્સાહ બેગણો જોવા મળી રહ્યો છે. આ સાથે દાનપેટી પણ છલકાઈ રહી છે. છેલ્લા ચાર દિવસમાં દાનપેટીમાં રોકડ રકમ, સિક્કા, સોનું, ચાંદી પણ ગણેશચરણે અર્પણ કરવામાં આવી રહ્યાં છે. લગભગ 200 તોલા સોનું અને 1700 તોલા ચાંદીનું દાન રાજાની દાનપેટીમાં ભેગું થયું છે અને તેમાં ભક્તોની ભીડ સાથે ઉત્તરોઉત્તર વધારો થઈ રહ્યો છે.

આ વખતે દાનપેટીમાં ચાર દિવસમાં ભેગા થયેલા દાનને જોતાં સરેરાશ રૂ. 4-5 કરોડનું દાન જમા થશે એવો અંદાજ છે. સોમવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ લાલબાગચા રાજાનાં દર્શને આવવાના છે. આથી પોલીસે સજ્જ બંદોબસ્તનું આયોજન કર્યું છે. તેથી સોમવારે વધુ ગિરદી થવાની શક્યતા છે.

ભારે વરસાદમાં પણ ભક્તોની ભીડ
મુંબઈમાં શનિવારે મોડી રાત્રે મુશળધાર વરસાદ પડ્યો હતો. ખાસ કરીને ગાજવીજ અને ગડગડાટ સાથે વરસાદ પડ્યો હતો, જે રવિવારે સવારે પણ પડતો હતો. આને કારણે ભક્તોની ભીડ ઓછી થશે એવું લાગતું હતું, પરંતુ અમુક ભક્તો પલળતા પણ દર્શન માટે ઊભા રહ્યા હતા. અમુકે છત્રીનો સહારો લીધો હતો. જોકે ભક્તોની ભીડ ઓછી થતી નહોતી.

અન્ય સમાચારો પણ છે...