જનહિત અરજી:ઠાકરે કુટુંબીઓની મિલકતની તપાસ કરવાની માગ કરતી કોર્ટમાં અરજી

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમુક આક્ષેપ દૂર કરવાના નિર્દેશ આપીને સુનાવણી 16 નવેમ્બર પર મોકૂફ રાખવામાં આવી

રાજ્યના માજી મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરે અને તેમના કુટુંબીઓ વિરુદ્ધ બિનહિસાબી માલમતા ભેગી કર્યાનો આરોપ કરીને હાઈ કોર્ટમાં એક જનહિત અરજી દાખલ કરવામાં આવી છે. દાદરના રહેવાસી ગૌરી ભિડે અને તેમના પિતા અભય ભિડે દ્વારા આ અરજી દાખલ કરવામાં આવી હોઈ જસ્ટિસ એસ ગંગાપુરવાલા અને જસ્ટિસ આર એન લઢ્ઢાની ખંડપીઠ સામે બુધવારે સુનાવણી થઈ હતી. ઠાકરેની આવક અને તેમની સંપત્તિ વચ્ચે તાલમેલ બેસતો નહીં હોવાથી આ પ્રકરણે સીબીઆઈ અને ઈડી મારફત તપાસ કરવાની માગણી અરજીમાં કરવામાં આવી છે.

ખંડપીઠ સામે બુધવારે પ્રાથમિક સુનાવણી થઈ હતી. ગૌરી ભિડેની અરજી સ્વીકારવા કોઈ વકીલ તૈયાર નહીં હોવાથી તેઓ પોતે કોર્ટની સામે દલીલો કરવા ઊભાં રહ્યાં હતાં. જોકે તેમની અરજી પર હાઈ કોર્ટ કાર્યાલયે અમુક આક્ષેપ લેવાથી તે દૂર કરવાના નિર્દેશ આપીને કોર્ટે તેમને બે અઠવાડિયાની મુદત આપી છે. હવે આ પ્રકરણે 16 નવેમ્બર સુધી સુનાવણી મોકૂફ રાખવામાં આવી છે. ઠાકરેની આવક અને તેમની સંપત્તિના તાલમેલ બેસતો નહીં હોવાથી આ સંબંધે સીબીઆઈ અને ઈડી થકી તપાસ કરવાની માગણી અરજીમાં કરવામાં આવી છે.

અરજીમાં આરોપ કરાયો છે કે ઉદ્ધવ ઠાકરેની સંપત્તિ ભ્રષ્ટાચાર અને ગેરમાર્ગે જમા કરાઈ છે. 11 જુલાઈ, 2022ના રોજ મુંબઈના પોલીસ કમિશનરને પત્ર લખીને ફરિયાદ કરાઈ હતી. જોકે તેની પર કોઈ કાર્યવાહી થઈ નથી. ઠાકરે વિરુદ્ધ ભ્રષ્ટાચાર અને મની લોન્ડરિંગના પુરાવા હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી એવો આરોપ કરીને આ અરજીમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલય, કેન્દ્રીય નાણાં મંત્રાલય, સીબીઆઈ, મુંબઈના પોલીસ કમિશનર, ઉદ્ધવ ઠાકરે, આદિત્ય ઠાકરે, રશ્મી ઠાકરે અને તેજસ ઠાકરેને પ્રતિવાદી બનાવવામાં આવ્યા છે.

આ બધાએ ભારતીય બંધારણ, આઈપીસી, સીઆરપીસી, ભ્રષ્ટાચાર પ્રતિબંધક કાયદો, લોકપ્રતિનિધિ કાયદાનું ઉલ્લંઘન કર્યું છે. ઠાકરે મહારાષ્ટ્રના માજી મુખ્ય મંત્રી છે. આદ્યિ તેમની કેબિનેટમાં મંત્રી હતા. આથી લોકપ્રતિનિધિ તરીકે તેમને ભ્રષ્ટાચાર પ્રતિબંધક કાયદો અને આઈપીસીની કલમ 21 લાગુ થાય છે. ઉપરાંત લોકપ્રતિનિધિ કાયદો પણ લાગુ થાય છે.

એસીબી ઓડિટ કેમ નહીં
અખબારની છપાઈ, સર્ક્યુલેશનનો હિસાબ રાખીને તેમના દરજ્જાનું ગ્રેડિંગ કરનારી એસીબી (ઓડિટ સર્ક્યુલેશન બ્યુરો) સંસ્થા છે. ગૌરી ભિડેએ અરજીમાં એવો પણ દાવો કર્યો છે કે સામના અને માર્મિકનું એસીબી ઓડિટ થયું નથી. ઉપરાંત કોરોનાકાળમાં પણ પ્રબોધન પ્રકાશનનું રૂ. 42 કરોડનું ટર્નઓવર અને રૂ. 11.5 કરોડનો નફો કઈ રીતે થયો? આથી પદનો દુરુપયોગ કરીને મુંબઈ મહાપાલિકા થકી આર્થિક ગોટાળા કરેલા બિનહિસાબી પૈસા છે, એવો આરોપ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...