રાજ્યમાં નોન-એગ્રીકલ્ચર ટેક્સના બોજામાંથી નાગરિકો, હાઉસિંગ સોસાયટીઓને રાહત આપવા માટે સરકારે હિલચાલ શરૂ કરી છે. એ અનુસાર અત્યારની ટેક્સ સિસ્ટમ પર ફેરવિચાર કરવા માટે મહેસૂલ વિભાગના અતિરિક્ત મુખ્ય સચિવની અધ્યક્ષતા હેઠળ સમિતિ નિમવાનો નિર્ણય મહેસૂલ મંત્રી બાળાસાહેબ થોરાતે લીધો હતો. નોન-એગ્રીકલ્ચર ટેક્સના માધ્યમથી સરકારને મોટા પ્રમાણમાં મહેસૂલ મળે છે.
જમીનના નોન-એગ્રીકલ્ચર વપરાશના બદલે લેવામાં આવતા ટેક્સનું ધોરણ સરકારે 2018માં જાહેર કર્યું હતું. એ અનુસાર શહેરી અને ગ્રામીણ ભાગ માટે નોન-એગ્રીકલ્ચર ટેક્સના દર નક્કી કરવામાં આવ્યા હતા. તેમ જ દર પાંચ વર્ષે આ ટેક્સના માળખામાં ફેરફાર સૂચવવામાં આવ્યા હતા.
તત્કાલીન મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સરકારના સમયમાં આ ધોરણ લાગુ કરવામાં આવ્યા બાદ નોન-એગીકલ્ચર ટેક્સ વસૂલીનો નાગરિકો દ્વારા તીવ્ર વિરોધ થયો. તેથી આ ટેક્સની વસૂલી પર તત્કાલીન મહેસૂલ મંત્રી ચંદ્રકાંત પાટીલે સ્ટે આપ્યો હતો. જો કે રાજ્યમાં સત્તા બદલાયા બાદ મહાવિકાસ આઘાડી સરકારે ફરીથી આ નિર્ણયની અમલબજાવણી શરૂ કરી. ફેબ્રુઆરીમાં મહેસૂલ વિભાગે નોન-એગ્રીકલ્ચર ટેક્સ વસૂલી ઝુંબેશ શરૂ કરી હતી. એ અનુસાર મુંબઈ અને પરિસરમાં 60 હજાર કરતા વધારે નાગરિકોને નોન-એગ્રીકલ્ચર ટેક્સની નોટિસ બજાવવામાં આવી હતી.
ભાજપ વિધાનસભ્ય એડવોકેટ આશિષ શેલારે વિધાનમંડળના બજેટ સત્રમાં લક્ષવેધી સૂચનાના માધ્યમથી નોન-એગ્રીકલ્ચર ટેક્સ વસૂલી ઝુંબેશનો વિરોધ કર્યો હતો. એ સમયે સર્વપક્ષીય વિધાનસભ્યોએ કરેલા વિરોધ પછી મહેસૂલ મંત્રી બાળાસાહેબ થોરાતે આ ટેક્સની વસૂલી પર સ્ટે આપ્યો હતો.
થોડા સમય બાદ આ ટેક્સની વસૂલી ફરીથી કરવાનો સરકારનો પ્રયત્ન હતો. પણ આઘાડીમાં વિરોધ થવાથી હવે નોન-એગ્રીકલ્ચર ટેક્સનો ફેરવિચાર કરવાનો નિર્ણય સરકારે લીધો છે. એ અનુસાર આ ટેક્સનો નાગરિકો પર પડતો બોજો ઓછો કરવા અત્યારના નોન-એગ્રીકલ્ચર ટેક્સનો દર અને વસૂલીનો ફેરવિચાર કરવા માટે મહેસૂલ વિભાગના અતિરિક્ત મુખ્ય સચિવ નિતીન કરીરની અધ્યક્ષતા હેઠળ નાશિક અને કોકણ વિભાગના વિભાગીય આયુક્ત અને જમાવબંધી કમિશનરની અભ્યાસ સમિતિ નિમવામાં આવી છે.
ચૂંટણી પહેલાં નિર્ણયની અપેક્ષા
નોન-એગ્રીકલ્ચર ટેક્સનો નાગરિકો પર પડતો બોજો ઓછો કરવાનો સરકારનો પ્રયત્ન છે. એના માટે મહેસૂલ વિભાગના અતિરિક્ત મુખ્ય સચિવ નિતીન કરીરની અધ્યક્ષતા હેઠળ સમિતિ નિમવામાં આવી છે. સરકારના 5 ફેબ્રુઆરી 2018ના નોન-એગ્રીકલ્ચર ટેક્સ વસૂલીના ધોરણનો ફેરવિચાર કરીને નવું ટેક્સ ધોરણ નક્કી કરવાનું કામ સમિતિને સોંપવામાં આવ્યું છે. આગામી મહાપાલિકા ચૂંટણી પહેલાં સમિતિનો અહેવાલ તૈયાર થઈને નાગરિકોને રાહત આપતો નિર્ણય લેવાનો સરકારનો પ્રયત્ન હોવાની માહિતી વરિષ્ઠ અધિકારીઓએ આપી હતી.
ટેક્સમાં કપાતની માગણી
નોન-એગ્રીકલ્ચર ટેક્સ મુંબઈમાં ફક્ત ઉપનગરોમાં અને રાજ્યમાં તમામ શહેરના ભૂખંડ પર લાગુ છે. ગાવઠાણ, કોળીવાડાને નોન-એગ્રીકલ્ચર ટેક્સ લાગુ નથી. મુંબઈ મહાનગર પ્રાદેશિક પરિસરની લગભગ 60 હજાર કરતા વધારે હાઉસિંગ સોસાયટીઓ તથા રાજ્યમાં 20 હજાર કરતા વધારે હાઉસિંગ સોસાયટીઓનો નોન-એગ્રીકલ્ચર ટેક્સની નોટિસ મોકલવામાં આવી હતી. ચેરિટેબલ ટ્રસ્ટને જેમ 1995ના બજારભાવ અનુસાર 0.01 ટકા ટેક્સ લેવામાં આવે છે એ જ પ્રમાણે હાઉસિંગ સોસાયટીઓ પાસેથી લેવામાં આવે એવી માગણી કરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.