રાજકારણ:ચીફ જસ્ટિસ અને સીએમ એક મંચ પર આવતાં વિવાદનો મધપૂડો છંછેડાયો

મુંબઈ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાષ્ટ્રવાદી કોંગ્રેસ અને કોંગ્રેસે વાંધો ઉઠાવ્યો

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ નિમાયેલા ઉદય લળિતનો મુંબઈ હાઈ કોર્ટ વતી શનિવારે સન્માન સમારંભ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય મંત્રી એકનાથ શિંદે પણ હાજર હોવાથી વિરોધી પક્ષ દ્વારા જોરદાર ટીકાઓ કરવામાં આવી છે. ખાસ કરીને શિંદે સરકારના અસ્તિત્વની લડાઈ સુપ્રીમ કોર્ટમાં ચાલી રહી છે ત્યારે જ ચીફ જસ્ટિસ સાથે એક મંચ પર આવવું તે વિરોધી પક્ષને ગમ્યું નથી.

મુંબઈની તાજ પેલેસ હોટેલમાં શનિવારે ચીફ જસ્ટિસનો સન્માન કાર્યક્રમ પાર પડ્યો. તેમાં કેન્દ્રીય કાયદા મંત્રી કિરેન રિજીજૂ, સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ભૂષણ ગવઈ, અભય ઓક સાથે મુખ્ય મંત્રી એકનાથ શિંદે, ઉપ મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસ પણ હાજર હતા. આ સમયે ચીફ જસ્ટિસ લળિતનું સન્માન કરાયું ત્યારે શિંદે પણ મંચ પર હતા. તે પરથી રાષ્ટ્રવાદી અને કોંગ્રેસ દ્વારા જોરદાર ટીકા કરવામાં આવી છે.

રાષ્ટ્રવાદીના નેતા જયંત પાટીલે ટ્વીટ કરીને આ સામે વાંધો ઉઠાવ્યો છે. પાટીલે જણાવ્યું કે સુપ્રીમ કોર્ટના બંધારણીય પીઠ સામે મુખ્ય મંત્રી એકનાથ શિંદે અને તેમની સરકારના અસ્તિત્વ વિશે ગંભીર સુનાવણી ચાલી રહી છે. આમ છતાં શિંદે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સાથે એક મંચ પર દેખાય તે યોગ્ય નથી.કોંગ્રેસના નેતા સચિન સાવંતે પણ ટીકા કરી છે.

તેમણે જણાવ્યું કે શિંદે અને ફડણવીસ સરકારની વૈધતા અને કાયદેસરતા ખુદ સુપ્રીમ કોર્ટ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. તેમાં રાજ્ય સરકાર સાથે રાજ્યનું નેતૃત્વ કરનારી વ્યક્તિને પણ અપાત્ર ઠરાવવામાં આવી શકે છે. જોકે શિંદે અને ચીફ જસ્ટિસ એક મંચ પર આવે તે વિસંગત દેખાય છે.

શિંદેએ સંબોધનમાં શું જણાવ્યું
શિંદેએ લળિતની નિયુક્તિ વિશે ખુશી અને ગર્વની લાગણી વ્યક્ત કરીને કહ્યું કે ઓછામાં ઓછા સમયમાં કામકાજ વધુ ઝડપથી થાય અને ન્યાયવ્યવસ્થાનાં પૈડાં ઝડપથી ફરે તે માટે લળિતે જે રીતે કામની શરૂઆત કરી અને કેસના ઉકેલ લાવી દીધા તે જોતાં દેશના ન્યાયદાનને ગતિ મળશે એમાં શંકાને કોઈ સ્થાન નથી. તેઓ સમયાંતરે જે પણ માર્ગદર્શક સૂચનો કરશે અથવા નિર્ણય આપશે તેની સખતાઈથી અમલબજાવણી સરકાર કરશે.

લળિતે સંબોધનમાં શું કહ્યું?
સન્માન સામે ઉત્તર આપતાં ઉદય લળિતે પોતાની કારકિર્દીની જૂની યાદોને તાજી કરી હતી. મુંબઈથી કરિયરની શરૂઆત કરીને આજે ચીફ જસ્ટિસ તરીકે મુંબઈમાં તમારા બધાની હાજરીમાં સન્માન સ્વીકારતાં કૃતજ્ઞ લાગણી થાય છે. વકીલાતના વ્યવસાયમાં સતત પોતાને વિકસિત કરવા અને સુધારણા કરતા રહેવું તે જ આ વ્યવસાયની ખાસિયત છે. સુપ્રીમ કોર્ટ મારી માતૃસંસ્થા અને કર્મભૂમિ છે. મારી ક્ષમતા અનુસાર મેં સુપ્રીમ કોર્ટમાં કામ કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...