ગણેશોત્સવ પ્રતિબંધમુક્ત:મુંબઈમાં ગણેશોત્સવ માટેની 1400 અરજીમાં 750ને મંજૂરી; સૌથી વધુ અરજી દાદર, માહિમ પરિસરમાંથી

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

બે વર્ષ પછી આ વખતનો ગણેશોત્સવ પ્રતિબંધમુક્ત ઉજવવામાં આવશે. મહાપાલિકા પાસે પરવાનગી માટે 1 હજાર 400થી વધુ મંડળની અરજી આવી છે. એમાંથી 750 મંડળને પરવાનગી આપવામાં આવી છે અને 175 મંડળને વિવિધ કારણોસર પરવાનગી નકારવામાં આવી. કોરોનાને કારણે છેલ્લા બે વર્ષ ગણેશોત્સવ પર અનેક પ્રતિબંધ મૂકવામાં આવ્યા હતા.

આ વર્ષે કોરોના મહામારી અંકુશમાં આવી હોવાથી સાર્વજનિક ગણેશોત્સવ મંડળને પરવાનગી આપવાની પ્રક્રિયા મહાપાલિકા પ્રશાસને શરૂ કરી. એમાં 4 જુલાઈથી એક બારી યોજના શરૂ કરવામાં આવી છે. મુંબઈમાં લગભગ 11 હજાર સાર્વજનિક ગણેશોત્વ મંડળ છે. એમાંથી જે મંડળ રસ્તામાં મંડપ ઊભો કરીને ગણેશોત્સવ ઉજવે છે એવા મંડળોએ મહાપાલિકાની પરવાનગી લેવી પડે છે.

લગભગ ત્રણ હજાર મંડળ દર વર્ષે મહાપાલિકા પાસે પરવાનગી માટે અરજી કરે છે. છેલ્લા એક મહિનામાં મહાપાલિકા પાસે 1 હજાર 706 અરજી આવી છે જેમાં 188 અરજી રિપીટ છે. તેથી બાકીના 1 હજાર 418 અરજીની ચકાસણી કરવામાં આવી છે જેમાં 753 અરજી મંજૂર કરવામાં આવી. 175 અરજી નકારવામાં આવી. 490 અરજી હજી પ્રક્રિયામાં છે એવી માહિતી ઉપાયુક્ત હર્ષદ કાળેએ આપી હતી.

થોડા દિવસ પહેલાં મુખ્યમંત્રી એકનાથ શિંદેએ બેઠક લઈને ગણેશોત્સવ પરના પ્રતિબંધ હળવા કરવાનો અને શુલ્ક માફ કરવાનો આદેશ આપ્યો હતો. એ અનુસાર મહાપાલિકાએ હવે નવી નિયમાવલી જાહેર કરી છે. એના અનુસાર ગણેશ મંડળોને મંડપની પરવાનગી માટેના 100 રૂપિયાનું શુલ્ક માફ કરવામાં આવ્યું છે. સૌથી વધુ અરજી દાદર, માહિમ પરિસરમાંથી મળી છે. એ પછી તારદેવથી ગિરગાવ પરિસર, ઘાટકોપર, અંધેરી પૂર્વમાંથી મળી છે. સૌથી ઓછી અરજી બાન્દરા પૂર્વ, મસ્જિદ બંદર અને ચર્ચગેટ પરિસરમાંથી મળી છે.

અન્ય સમાચારો પણ છે...