જુહુની હાઈ સોસાયટીમાં કાળજું કંપાવનારી ઘટના બની છે. મિલકત વિવાદમાંથી પુત્રએ નોકરની મદદથી 74 વર્ષની વૃદ્ધ માતાની હત્યા કરી નાખી હતી. આ પછી માતાનો મૃતદેહ ખોખામાં ભરીને માથેરાનમાં જઈ ખીણમાં ફેંકી દીધો હતો. માતાએ પુત્ર વિરુદ્ધ હાઈ કોર્ટમાં દાદ માગી હતી એવી માહિતી પણ બહાર આવી છે.
જુહુમાં ગુલમોહર રોડ પર કલ્પતરૂ સોલિટેરમાં સાતમા માળે રહેતાં વીણા કપૂર (74)ની હત્યા સંબંધે બુધવારે પોલીસે તેના પુત્ર સચિન (42) અને નોકર છોટુ ઉર્ફે લાલુકુમાર મંડલ (25)ની ધરપકડ કરી છે. સચિન અપરિણીત છે. તે બે પ્રતિષ્ઠિત શાળામાં શિક્ષક તરીકે નોકરી કરીને ગણિત શીખવતો હતો અને ત્યાર પછી પશ્ચિમી ઉપનગરમાં રહેવા ગયા બાદ તે ખાનગી ટ્યુશન લેતો હતો. મંગળવારે સવારે 6 વાગ્યે માતા- પુત્ર વચ્ચે મોટો ઝઘડો થયો હતો. આ પછી સચિન અને છોટુએ હાથ- પગ પર માર માર્યો હતો. આ પછી બેઝબોલની બેટથી મારઝૂડ કરતાં વીણાનું મોત થયું હતું.
આ પછી ઘરમાં સીસીટીવી કેમેરાનું ડીવીઆર કાઢી લીધું હતું. લાશ ખોખામાં ભરીને સચિન અને છોટુ બંને કાર તરફ લઈ જતા હતા ત્યારે સિક્યુરિટી ગાર્ડે ખોખામાં શું છે એવું પૂછ્યું હતું. સચિને ઘરગથ્થુ સામાન અન્ય ફ્લેટમાં ખસેડવાનો છે એવું કહ્યું હતું. આ પછી નેરળ- માથેરાનમાં ખીણાં લાશ અને ડીવીઆર ફેંકી દીધા હતા. બીજી બાજુ વીણાનો યુએસમાં રહેતો સોફ્ટવેર વ્યાવસાયિક મોટો પુત્ર નેવિન માતાને રોજ કોલ કરતો હતો, પરંતુ મંગળવારે સવારે કોઈ પ્રતિસાદ મળતો નહોતો. સચિનનો પણ ફોન બંધ આવતો હતો. આથી સવારે 10.30 વાગ્યે તેણે ઈમારતના વોચમેનને કોલ કર્યો, પરંતુ તેણે પણ ફોન ઉપાડ્યો નહીં. આખરે નેવિને જુહુ પોલીસ સ્ટેશનમાં ફોન કરીને ફ્લેટમાં તપાસ કરવા વિનંતી કરી હતી.
જુહુ પોલીસની ટીમે ઈમારતમાં પહોંચીને સિક્યુરિટી પાસે પૂછપરછ કરી. બાદમાં ફ્લેટ પર જતાં તાળું હતું. વીણા અને સચિનના ફોન બંધ આવતા હતા. સેલ ટાવર તપાસતાં વીણાનો ફોન ઘરમાં જ હતો, જ્યારે સચિનના ફોનનું લોકેશન પનવેલ બાજુ હોવાનું જણાયું હતું. આ પછી પોલીસે ફાયરબ્રિગેડને બોલાવીને ફ્લેટનો દરવાજો ખોલાવ્યો હતો. જોકે અંદરથી કશું ગુમ હોય તેવું જણાયું નહીં. આ પછી ઈમારતના સિક્યુરિટી સુપરવાઈઝર જાવેદ માપારીના નિવેદનને આધારે વીણા ગુમ થઈ હોવાની ફરિયાદ નોંધી હતી.
આ પછી પોલીસે ઈમારતના સંકુલના સીસીટીવી ફૂટેજ તપાસતાં સચિન અને છોટુ ફ્લેટમાંથી વ્હીલચેરમાં ભારે લગેજ લાવ્યા અને કારમાં નાખીને પછી ડ્રાઈવ કરી ગયા એવું દેખાયું. પોલીસને શંકા જતાં જુહુમાં જ કપૂરના મૌલી એપાર્ટમેન્ટના બીજા ફ્લેટમાં દરોડા પાડતાં ત્યાં સચિન અને છોટુ મળી આવ્યા હતા. બંનેની ઊલટતપાસ લેતાં તેમણે ગુનો કબૂલ કર્યો હતો. તેમણે નેરળ- માથેરાનની 100 ફૂટ ઊંડી ખીણમાં લાશ ફેંકી દીધી હોવાનું જણાવ્યું હતું. આ પછી બુધવારે પોલીસ ટીમ બંનેને ઘટનાસ્થળે લઈ ગઈ, જ્યાં પોલીસે મૃતદેહ જોયો, પરંતુ ઊંડી ખીણમાં હોવાથી ગુરુવારે વધુ માનવબળ કામે લગાવી લાશનો કબજો લીધો હતો.
માતાએ કોર્ટમાં શું અરજી કરી
વીણાના વકીલ અનુજ નરુલા થકી કોર્ટમાં અરજીમાં એવું જણાવાયું હતું કે સચિન ફ્લેટ પર કબજો જમાવવા ત્રાસ આપે છે. રાત્રે મોટા અવાજમાં ગીતો વગાડે છે અને બાથરૂમ ગંદું કરે છે. આવી ક્રૂર વર્તણૂકને લીધે સચિનને પુત્ર માનવા ઈનકાર કરે છે. તેને ઘરમાં પ્રવેશ કરવાથી રોકવો જોઈએ. ઘર વેચવા અથવા ઘર બાબતે નિર્ણય લેવાથી રોકવા પણ દાદ માગી હતી. સચિને સર્વ આરોપ નકારી કાઢ્યા હતા અને પિતાએ આપેલા હિસ્સામાં રહેતો હોવાનો દાવો કર્યો હતો.
સચિન સતામણી કરતો હતો
સચિન જુહુમાં 2000 ચોરસફૂટનો ફ્લેટ પોતાને નામે કરવા માટે માતાની શારીરિક અને માનસિક સતામણી કરતો હતો. આથી 2019માં વીણાએ તેની વિરુદ્ધ હાઈ કોર્ટમાં અરજી કરીને ફ્લેટમાં આવવાથી તેને રોકવા દાદ માગી હતી. વીણાએ અરજીમાં જણાવ્યું હતું કે 1969માં તેનાં લગ્ન થયાં હતાં, જે પછી જેવીપીડી સ્કીમમાં ફ્લેટ ખરીદી કર્યો હતો. 2001માં તેમના છૂટાછેડા થયા હતા. છૂટાછેડા પછી કોર્ટે તેમના અગાઉના પતિને ઘરમાં રહેવાનો અધિકાર આપ્યો હતો. જોકે ફ્લેટની માલિકી વીણા પાસે જ હતી.
બેડરૂમમાં સીસીટીવી લગાવવા મંજૂરી
હાઈ કોર્ટે વીણાને તેમના બેડરૂમ, બેડરૂમના પ્રવેશદ્વાર અને કોમન એરિયામાં સીસીટીવી લગાવવા માટે પરવાનગી આપી હતી, જેમાં લિવિંગ રૂમનો પણ સમાવેશ હતો. ઉપરાંત કોર્ટે ગયા વર્ષે અને ફરી માર્ચ 2022માં સચિનને અજ્ઞાત વ્યક્તિને ઘરમાં લાવવા અને રહેવા નહીં દેવા માટે આદેશ આપ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.