સાઈબર ગુનાની ઘટનાઓ:મુંબઈમાં સાઈબર ગુનાઓમાં 70 ટકાનો વધારોઃ ફડણવીસ

મુંબઈ25 દિવસ પહેલા
  • કૉપી લિંક

મુંબઇમાં 2022માં સાઈબર ગુનાની ઘટનાઓ તેના ગત વર્ષની તુલનામાં 70 ટકા વધી છે, એમ ઉપ મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસે વિધાનસભામાં જણાવ્યું હતું. ઉપરાંત નવેમ્બર 2022 સુધી એક વર્ષના સમયગાળા માટે સાઈબર છેતરપિંડીના ઓછામાં ઓછા 4,286 કેસ નોંધાયા છે.

સભાગૃહમાં ફડણવીસે જણાવ્યું હતું કે, મુંબઈમાં સાઈબર ક્રાઇમમાં 2022માં ગત વર્ષ કરતાં 70 ટકાનો વધારો થયો છે. મુંબઈમાં સાઈબર છેતરપિંડીના ઓછામાં ઓછા 4,286 નવેમ્બર 2022 સુધીમાં નોંધાયા છે. ધારાસભ્ય ભાઈ ગિરકરના પ્રશ્નના જવાબમાં ફડણવીસે આ માહિતી આપી હતી.

સાઈબર ગુના અંગે કાર્યવાહી કરવા મુંબઇમાં પાંચ વિશેષ પોલીસ સ્ટેશનો છે. કથિત સમયગાળા દરમિયાન, ઓનલાઇન ખરીદીના 2216 કેસ, ક્રિપ્ટો ચલણ રોકાણ, શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ, વીમા, રોકાણ અને નોકરીઓ માટે છેતરપિંડીના કેસ નોંધાયેલા છે. વર્ષમાં નોંધાયેલા 4286 સાઈબર છેતરપિંડીના ગુનામાંથી 279 ઉકેલાયા છે.સાઈબર ગુનાનું પ્રમાણ દિવસે ને દિવસે વધી રહ્યું છે. ગુનેગારો નવી રીતો અપનાવે છે. હવે ગુનેગારોએ બોલિવૂડના કલાકારો અને ક્રિકેટરોના ઓળખકાર્ડનો ઉપયોગ કરીને ક્રેડિટ કાર્ડ બનાવીને લાખો રૂપિયાની છેતરપિંડી કરી છે.

આ સંબંધમાં પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. એક ગેંગે ઘણા બોલીવૂડ કલાકારો અને ક્રિકેટરોના જીએસટી નંબરોમાંથી પાન કાર્ડ ડેટા ચોર્યો અને પુણેમાં ફિનટેક સ્ટાર્ટઅપ ‘વન કાર્ડ’ થકી ક્રેડિટ કાર્ડ મેળવ્યાં અને લાખો રૂપિયા બનાવ્યા. હેકરોએ જાણ્યું હતું કે બોલિવૂડ એક્ટર અને ક્રિકેટરોના જીએસટી નંબર ઓનલાઇન ઉપલબ્ધ છે. તેને આધારે આ છેતરપિંડી કરી છે.

અન્ય સમાચારો પણ છે...