રવિવારે મુંબઈમાં યોજાઈ રહેલી ટાટા મુંબઈ મેરેથોન (ટીએમએમ) માટે 55,000 રનરોએ નોંધણી કરાવી છે. ખાસ કરીને કોરોનાને કારણે બે વર્ષ પછી ફુલફ્લેજમાં ટીએમએમ યોજાઈ રહી હોવાથી રનરોમાં જબરદસ્ત ઉત્સાહ છે. છેલ્લા લગભગ ત્રણ મહિનાથી રનરો માહિમથી નરીમાન પોઈન્ટ દોડવાની પ્રેક્ટિસ કરતાં જોવા મળી રહ્યા છે. ખાસ કરીને મહિલાઓ મોટી સંખ્યામાં જોવી મળી રહી છે.
મહારાષ્ટ્ર સરકાર, વિદેશ મંત્રાલય, મહાપાલિકા, મુંબઈ પોલીસ, સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ઈન્ડિયા, એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા, વર્લ્ડ એથ્લેટિક્સ, એસોસિયેશન ઓફ ઈન્ટરનેશનલ મેરેથોન્સ એન્ડ ડિસ્ટન્સ રેસીસ, ગ્લોબલ સ્પોર્ટસ કમ્યુનિકેશનના ટેકા સાથે મુંબઈની આ પ્રતિકાત્મક મેરેથોનમાં દેશવિદેશના નામાંકિત રનરો પણ દોડશે. ભારતીય ચેલેન્જની આગેવાની માજી એશિયન ચેમ્પિયન ગોપી અને ચાર વાર વિજેતા સુધા સિંહ કરશે.
405,000 અમેરિકન ડોલર ઈનામી રકમની વર્લ્ડ એથ્લેટિક્સ ગોલ્ડ લેબલ રોડ રેસની આ 18મી આવૃત્તિ છે. દુનિયામાં અને સ્પર્ધાત્મક ઈન્ટરનેશનલ ઈલાઈટ ફિલ્ડમાં ટોપ 10માંથી તે એક છે. દુનિયામાં 100 મીટરનો સૌથી યુવાન ચેમ્પિયન જમાયકાનો યોહાન બ્લેક ઈન્ટરનેશનલ ઈવેન્ટ એમ્બેસેડર છે. ટાટા સન્સના બ્રાન્ડ કસ્ટોડિયન હરીશ ભટે જણાવ્યું કે દુનિયાભરના એમેચર અને પ્રોફેશનલ મેરેથોનરોને જોવાનો રોમાંચ મળવાનો છે. ભારતીય સ્ત્રીઓ અને પુરુષ વિજેતાઓને પ્રત્યેકી રૂ. 5 લાખનું ઈનામ મળશે.
પ્રોત્સાહન તરીકે વધુ રૂ. 1,50,000 કોર્સ રેકોર્ડ બોનસ મળશે. ભારતીયોમાં ગોપી ટી, શ્રીનુ બુગાથા, કાલીદાસ હિરાવે, રાહુલ કુમાર પાલ, સુધા સિંહ જિગ્મેટ ડોલમા જોવા મળશે. હાફ મેરેથોનમાં 2016નો વિજેતા દીપક કુંભાર અને ડિફેન્ડિંગ ચેમ્પિયન પારુલ ચૌધરી અનુક્રમે પુરુષ અને મહિલાના ફિલ્ડ્સની આગેવાની કરશે.માહિમથી તળ મુંબઈ સુધી સી-લિંક પરથી રનરોને દોડવાનો મોકો મળશે.
આયોજકો દ્વારા ઠેકઠેકાણે પાણી, એનર્જી ડ્રિંક્સ સાથે કટોકટીના સંજોગો માટે એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરાશે. મુંબઈ પોલીસ, મહાપાલિકા સહિતનાં તંત્રો પણ મેરેથોન નિર્વિઘ્ને પાર પડે તે માટે સજ્જડ વ્યવસ્થા કરશે. ગુજરાતીઓ, કચ્છીઓ, જૈનો, મારવાડીઓ પણ મોટી સંખ્યામાં ભાગ લેશે.
પ્રોકેમ ઈન્ટરનેશનલ અને ઈન્ટરનેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ સ્પોર્ટસ મેનેજમેન્ટ દ્વારા પહેલી જ વાર મેરેથોનથી આર્થિક, સામાજિક અને આરોગ્ય પર કઈ રીતે પ્રભાવ પડે છે તેનું માપન કરતો વિશેષ અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે.
મુંબઈમાં રનરોનો પ્રભાવ : મુંબઈમાં 34 ટકા રનરો છેલ્લાં 5 વર્ષ કે વધુ સમયથી દોડે છે. મુંબઈ મેરેથોન થકી કુલ રૂ. 316.53 કરોડ ઊભા કરાયા છે, એમ પ્રોકેમના જોઈન્ટ એમડી વિવેક સિંહે જણાવ્યું હતું. ટાટા મુંબઈ મેરેથોન 2020માં રૂ. 45.9 કરોડ ઊભા કરાયા હતા. ટીએમએમ 202દ દરમિયાન 295 એનજીઓએ ભંડોળ ઊભું કર્યું હતું, જેમાં 54 એનજીઓ પહેલી વારની હતી. 2014માં અધધધ રૂ. 109.79 કરોડ ભેગા થયા હતા. કોર્પોરેટ ટીમોએ 2016-2020 વચ્ચે રૂ. 82.33 કરોડ ઊભી કરી આપ્યા હતા. 2020માં શિક્ષણના કાજ માટે રૂ. 16.30 કરોડ ઊભા કરાયા હતા.
59 ટકા રનરનો ઉદ્દેશ ફિટનેસ
સોશિયો- ઈકોનોમિક એન્ડ હેલ્થ ઈમ્પેક્ટ 2020 રિપોર્ટ અનુસાર મેરેથોનથી રૂ. 156.88 કરોડનો આર્થિક પ્રભાવ અને રૂ. 45.9 કરોડનો સામાજિક પ્રભાવ પડ્યો છે. એકલા ફિટનેસ ઉદ્યોગ પર રૂ. 122.97 કરોડનો પ્રભાવ પડ્યો છે. 59 ટકા રનરો ફિટનેસ માટે દોડે છે. ભારતમાં 2020 સુધી 682 રનિંગ ગ્રુપ બની ગયાં હતાં, જે દર્શાવે છે કે એક સમયે ભારત ફક્ત મેરેથોન જોતો હતો, પરંતુ હવે મેરેથોનની દોડમાં દુનિયાને પણ પાછળ છોડી દીધી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.