ફરિયાદ:એપ દ્વારા 5000ની લોન લીધી, એજન્ટે 4.28 લાખ વસૂલી લીધા

મુંબઈ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પત્નીના તબીબી ઉપચાર માટે ઓનલાઈન લોન લેવાનું મોંઘું પડી ગયું

મુંબઈમાં કિચન સુપરવાઈઝર તરીકે કામ કરતા વધુ એક શખસ સાથે લોન એપ છેતરપિંડી થઈ છે. 28 વર્ષના આ શખસની પત્નીની તબીબી સારવાર માટે તાકીદે પૈસાની જરૂર હતી. આથી તેણે મોબાઈલ એપ પરથી રૂ. 5000ની લોન લીધી હતી. આ સામે તેને વ્યાજ સાથે રૂ. 8200 ચૂકવવા પડ્યા હતા. ઉપરાંત વસૂલી એજન્ટે હેરાનપરેશાન કરીને તેની પાસેથી રૂ. 4.28 લાખ બળજબરીથી પડાવી લીધા હતા.શખસે ચૂનાભટ્ટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તે કિચન સુપરવાઈઝર તરીકે કામ કરે છે અને માર્ચ મહિનામાં પત્નીના ઉપચાર માટે તાકીદે પૈસા જોઈતા હતા.

તેને કોઈએ મદદ નહીં કરતાં ગૂગલ પ્લે સ્ટોર પર કેશ બસ નામે એપ તેના ધ્યાનમાં આવ્યું હતું. એપ ઈન્સ્ટોલ કર્યા પછી તેણે પોતાની ગેલેરી, કોન્ટેક્ટ લિસ્ટ અને લોકેશનને એક્સેસ આપ્યો હતો. તેને સેલ્ફી સાથે પેન કાર્ડ નંબર અને આધાર કાર્ડ નંબર પણ આપવા પ્રેરિત કરાયો હતો.પ્રક્રિયા પૂરી થયા પછી તેને રૂ. 50,000ની લોન પ્રાપ્ત થશે અને તે 90 દિવસમાં પાછી આપવાની રહેશે એવું કહેવામાં આવ્યું હતું. તેણે યેસ બટન પર ક્લિક કરતાં જ તેને ફક્ત રૂ. 5000 મળ્યા, જે પણ તેણે એક અઠવાડિયામાં પાછી આપી દેવાના હતા.

આ પછી કસ્ટમર કેર નંબર પર કોલ કરતાં કોઈ જવાબ મળ્યો નહોતો, એમ તેણે પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે.શખસ નાણાં પાછાં નહીં આપી શકતાં તેની સતામણી શરૂ થઈ હતી. તેને 2 એપ્રિલના રોજ વ્યાજ સાથે રૂ. 8200 પાછા આપવા પડ્યા હતા. આ પછી પણ તેની સતામણી ચાલુ જ રહી હતી. ફરિયાદમાં શખસે કહ્યું, મેં પેમેન્ટ કરી દીધું છે એવું જણાવવા છતાં તેઓ વારંવાર ફોન કરવા લાગ્યા અને પેમેન્ટ અપડેટ થયું નથી એમ જણાવ્યું.

20 અલગ અલગ નંબર પરથી કોલ
શખસને 20 અલગ અલગ નંબર પરથી સતામણીના કોલ આવ્યા હતા. 200થી 250 અશ્લીલ ફોટો અને વિડિયો મોકલવામાં આવ્યા. શખસે ડરના માર્યા ટુકડે ટુકડે રૂ. 1.5 લાખ ચૂકવ્યા. હવે નાણાં નથી એમ કહતાં અન્ય લોન એપ ડાઉનલોડ કરીને લોન લેવા સૂચન કર્યું. શખસે અન્ય એપ પરથી લોન લઈને ઠગોને પૈસા ચૂકવ્યા. એકંદરે તેણે સતામણી અટકાવવા રૂ. 4.28 લાખ ચૂકવી દીધા. આમ છતાં ઠગોએ તેની કોન્ટેક્ટ લિસ્ટમાં ફોટો અને વિડિયો મોકલતાં તેની વધુ બદનામી થઈ હતી. આથી આખરે તેણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...