છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ ખાતેના હિમાલય પુલ પર શનિવારે રાતના ત્રણ ગર્ડર ઊભા કરવામાં આવ્યા હતા. ઓડિશાથી લાવવામાં આવેલા સ્ટેનલેસ સ્ટીલના 120 ટન વજનના પાંચમાંથી ત્રણ ગર્ડર શનિવારે રાતે 12 વાગ્યાથી રવિવાર વહેલી સવારના 5 વાગ્યા દરમિયાન મહાપાલિકા તરફથી સફળતાપૂર્વક ઊભા કરવામાં આવ્યા હતા. તેથી હવે આગળની પ્રતિક્ષા પૂરી થવામાં છે.
14 માર્ચ 2019ના સીએસએમટી ખાતેનો હિમાલય પુલ તૂટી પડ્યો હતો. ચાર વર્ષથી આ પુલનું કામ રખડી પડ્યું હતું. ગયા વર્ષે પુલનું કામ ઝડપથી થયું. મહાપાલિકાએ શનિવારે રાત્રે ત્રણ ગર્ડર ઊભા કર્યા. હવે આ રાહદારી પુલ પર સિમેન્ટનો સ્લેબ નાખવામાં આવશે. એ પછી ફેબ્રુઆરીના અંત સુધી આ પુલ શરૂ થશે. આ પુલની લંબાઈ 30 મીટર અને પહોળાઈ 9 મીટર છે. એના માટે લગભગ 11 કરોડ રૂપિયા ખર્ચ થશે. આ પુલ બંધ હોવાથી સીએસએમટી સ્ટેશનમાં જનારા પ્રવાસીઓએ રસ્તો ઓળંગીને અથવા મહાપાલિકા મુખ્યાલય નજીકના અંડરગ્રાઉન્ડ રોડથી ફેરો મારીને જવું પડે છે.
આ પુલના કારણે ક્રાફર્ડ માર્કેટ સહિત મુંબઈ પોલીસ મુખ્યાલય, મુંબઈ મહાપાલિકા મુખ્યાલય, કામા હોસ્પિટલ, મેટ્રો થિયેટર, સેંટ ઝેવિયર્સ કોલેજ અને બીજા ભાગથી આવતા નાગરિકો સીએસએમટી સ્ટેશનમાં ઓછા સમયમાં પહોંચી શકશે. મહાપાલિકાએ ઓડિસાથી આ પુલના 5 ગર્ડર લાવ્યા છે. સ્ટેનલેસ સ્ટીલમાંથી બનાવેલા આ ગર્ડર આગળના 50 વર્ષ સુધી ટકશે. ચોમાસામાં પાણીથી લોખંડના પુલને કાટ લાગે છે. પણ સ્ટેનલેસ સ્ટીલના પુલને કાટ નહીં લાગે એમ અધિકારીએ જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.