મુંબઈમાં છેલ્લા સાત-આઠ દિવસથી હવાની ગુણવત્તા ખરાબ થઈ હોવાથી પ્રદૂષિત હવાના કારણે શ્વાસના રોગોએ માથું ઉંચક્યું છે. એમાં ગળુ ખરાબ થવું, ઉધરસ, શરદી સહિત તાવ જેવી બીમારીના દર્દીઓની સંખ્યા 10 થી 15 ટકા વધી છે. ઉપરાંત શ્વાસના દર્દીઓની તકલીફમાં વધારો થયો છે. આખો દિવસ ગરમી અને રાતના ઠંડી જેવા વાતાવરણમાં ફેરફારના કારણે શ્વાસના રોગો ફેલાઈ રહ્યા છે એમ આરોગ્ય વિભાગ તરફથી જણાવવામાં આવ્યું હતું. મુંબઈમાં હવાનું સ્તર 293 જેટલું નોંધવામાં આવ્યું છે. આ પ્રમાણ ખરાબ ગુણવત્તાનું હોવાનું હવામાન નિષ્ણાતો તરફથી જણાવવામાં આવ્યું છે.
મુંબઈમાં કોલાબા, મલાડ, માઝગાવ, બીકેસી, અંધેરી ભાગમાં હવાનું સ્તર (એર ક્વોલિટી ઈન્ડેક્સ) ઘટ્યું હોવાથી હવાની ગુણવત્તા ખરાબ થઈ છે. ઉપરાંત સંપૂર્ણ મુંબઈમાં હવાની ગુણવત્તા ખરાબ થવાથી શ્વાસના રોગોના દર્દીઓમાં વધારો થયાનું મહાપાલિકાના આરોગ્ય વિભાગનું જણાવવું છે. પવનની ઝડપ પણ ધીમી પડી હોવાથી ધુળ, પ્રદૂષણ હવામાં ટકી રહે છે એટલે હવાની ગુણવત્તા ખરાબ થઈ હોવાનું હવામાન ખાતાનું જણાવવું છે.
માસ્ક વાપરો
હવામાં વધેલા પ્રદૂષણના કારણે શ્વાસના રોગોના દર્દીઓની સંખ્યા 15 ટકા વધી છે. તેથી મુંબઈગરાઓએ ધ્યાન રાખવું. કામના સમયે, બપોરના સમયે અને સાંજે ગિરદીવાળા ઠેકાણે જવાનું થાય તો માસ્ક પહેરવો એવી સલાહ ડોકટરો આપે છે. કોઈ પણ રોગના લક્ષણો દેખાય તો ગાફેલ રહેવાને બદલે તરત ડોકટરને દેખાડવું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.