પ્રવાસીઓ મોટા પ્રમાણમાં ગેરફાયદો ઉઠાવે:બેસ્ટ બસમાં 4 વર્ષમાં 1.23 લાખ પ્રવાસીઓ ટિકિટ વિના પકડાયા

મુંબઈ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કંડકટર વિનાની બસમાં પ્રવાસીઓ મોટા પ્રમાણમાં ગેરફાયદો ઉઠાવે છે

ઉપનગરીય રેલવેમાં ટિકિટ વિનાના પ્રવાસીઓ મળે છે ત્યારે બેસ્ટ બસમાં પણ આવા પ્રવાસીઓની સંખ્યા ઓછી નથી. વધતી પ્રવાસી સંખ્યા અને કંડકટર વિનાની બસ સેવામાં નિયોજનના અભાવના કારણે ટિકિટ વિનાના પ્રવાસીઓ વધી રહ્યા છે. 2019 જાન્યુઆરીથી 2022 જાન્યુઆરીના સમયગાળામાં 1 લાખ 23 હજાર 842 ટિકિટ વિનાના પ્રવાસીઓ પર કાર્યવાહી કરવામાં આવી છે.

આવા પ્રવાસીઓની સંખ્યા વધી રહી હોવાથી એની અસર બેસ્ટની આવક પર થઈ રહી છે. કોરોનાનું સંક્રમણ ઓછું થયા પછી અને મુંબઈની વિવિધ સેવા પૂર્વવત થવાથી બેસ્ટ બસમાં ગિરદી થઈ રહી છે. આ પ્રવાસમાં અનેક વખત ટિકિટ વિના પ્રવાસીઓ પ્રવાસ કરે છે.

આવા પ્રવાસીઓ હાથ દેખાડીને પાસ છે એવો ઈશારો કરતા ટિકિટ કઢાવતા નથી. ગિરદીવાળી બસમાં ચઢેલા પ્રવાસીઓ દરવાજા પાસે ઊભા રહીને ટિકિટ કઢાવ્યા વિના પોતાના બસસ્ટોપ પર ઉતરવાનો પ્રયત્ન કરે છે. આ બધા પ્રવાસીઓને પકડી ટીસીના માધ્યમથી દંડ વસૂલ કરવાનો પ્રયત્ન બેસ્ટ કરે છે. જો કે દર વખતે એવું શક્ય નથી થતું. બેસ્ટ પ્રશાસને શરૂ કરેલી કંડકટર વિનાની સેવાનો કેટલાક લોકો ગેરફાયદો લે છે. બેસ્ટ ઉપક્રમે ઓકટોબર 2019માં કંડકટર વિનાની બસસેવા 13 રૂટ પર શરૂ કરી હતી.

80 લાખ રૂપિયા દંડ વસૂલ
2019માં ટિકિટ વિનાના 36 હજાર 821 પ્રવાસીઓને પકડવામાં આવ્યા હતા. 2020માં 11 હજાર 469 પ્રવાસીઓ, 2021માં 27 હજાર 547 પ્રવાસીઓ પર કાર્યવાહી કરવામાં આવી હતી. 2022માં એમાં વધારો થઈને 42 હજાર 802 જણ પર કાર્યવાહી કરવામાં આવી છે. જાન્યુઆરી 2023માં 5 હજાર 203 જણ પર કાર્યવાહી કરવામાં આવી. 2019થી કરેલી કાર્યવાહીમાં અત્યાર સુધી કુલ 79 લાખ 90 હજાર 752 રૂપિયા દંડ વસૂલ કરવામાં આવ્યો છે. ટિકિટ વિના પ્રવાસ કરતા પ્રવાસીઓ પાસેથી 100 રૂપિયા દંડ વત્તા દસ ગણું ટિકિટભાડું વસૂલ કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...