એકનાથ શિંદેના બળવા પછી શિવસેનાના શિવસૈનિકો પાસેથી પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ નિષ્ઠાનું બોન્ડપેપર લખાવી લીધા પછી હવે શિંદે જૂથમાં સહભાગી થયેલા શિવસેનાના પદાધિકારીઓએ પણ તેનું જ અનુકરણ કરીને શિંદે જૂથ માટે બોન્ડપેપર લખી આપ્યો છે. આથી બંને જૂથમાં હવે નિષ્ઠાની લડાઈ લડવામાં આવી રહી છે.
મુખ્ય મંત્રી શિંદેની આગેવાનીમાં આગેકૂચ કરતી શિવસેના જ અસલી શિવસેના હોઈ મારો શિંદેના નેતૃત્વ પર વિશ્વાસ છે એવું લખી આપવામાં આવી રહ્યું છે. આ જ રીતે મારો તેમને શરત વિના ટેકો હોવાનું પણ આ રૂ. 100ના બોન્ડપેપર પર નોંધ કરવામાં આવ્યું છે. અકોલા જિલ્લામાંથી 1000 બોન્ડપેપર તૈયાર થયા હોઈ તે લઈને મંગળવારે રાત્રે અમુક મુખ્ય નેતાઓ મુંબઈ આવ્યા હતા.
અન્ય રાજકીય પક્ષની જેમ શિવસેનામાં પણ જૂથબાજી ઓછી નથી. આ જૂથબાજીનો ફાયદો શિંદે જૂથને થયો છે. જૂથમાં માજી વિધાનસભ્ય ગોપીકિશન બાજોરિયા અને તેમના પુત્ર વિધાનસભ્ય વિપ્લવ બાજોરિયા, ઉપ શહેર પ્રમુખ યોગેશ અગ્રવાલ, યુવા સેનાના જિલ્લાધ્યક્ષ વિઠ્ઠલ સરપ, માજી નગરસેવક શશીકાંત ચોપડે, અશ્વિન નવલે વગેરેએ પ્રવેશ કર્યો છે.
બોન્ડપેપરમાં શું છે?
શિંદે જૂથ માટે તૈયાર કરવામાં આવેલા રૂ. 100ના બોન્ડ પર સંબંધિતોનાં નામ, ઉંમર, સરનામું અને સહી છે. મુખ્ય મંત્રી એકનાથ શિંદેનો ઉલ્લેખ શિવસેનાના મુખ્ય નેતા (અધ્યક્ષ રાષ્ટ્રીય કાર્યકારિણી) તરીકે કરવામાં આવ્યો છે. શિવસેના પ્રમુખ બાળાસાહેબ ઠાકરેનો વિચાર અને ધર્મવીર આનંદ દિઘેની શીખ પર આધારિત એકનાથ શિંદેની આગેવાનીમાં આગેકૂચ કરનારી જ શિવસેના અસલી છે એવી તેમાં નોંધ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.