નિર્ણય:સંતોષકારક વરસાદ થતાં 10% પાણીકાપ રદ; જળાશયોમાં 25.94 ટકા જથ્થો વધ્યો

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

મુંબઈને પાણી પુરવઠો કરતાં સાતેય જળાશયોમાં છેલ્લા ચાર દિવસથી પડી રહેલા મુશળધાર વરસાદને લીધે પાણીનો જથ્થો સંતોષકારક થયો હોવાથી મહાપાલિકા દ્વારા 10 ટકા પાણીકાપ આખરે રદ કરવામાં આવ્યો છે.જૂન મહિનામાં જળાશયોનાં તળિયાં દેખાવા લાગતાં 27 જૂન, 2022થી મહાપાલિકા પ્રશાસન દ્વારા પાણી પુરવઠામાં 10 ટકા કાપ લાદવામાં આવ્યો હતો. જુલાઈના પ્રથમ અઠવાડિયાથી મુંબઈને પાણી પુરવઠો કરતાં જળાશયોમાં સંતોષકારક વરસાદ પડી રહ્યો છે અને પૂરતા પ્રમાણમાં સંગ્રહ થતાં 8 જુલાઈથી 10 ટકા પાણીકાપ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

મુંબઈને પાણીપુરવઠો કરતાં અપ્પર વૈતરણા, મોડકસાગર, તાનસા, મધ્ય વૈતરણા, ભાતસા, વિહાર અને તુલસી સહિત સાત જળાશયોમાં મળીને આખા મુંબઈને પાણીપુરવઠો કરવા માટે કુલ 14 લાખ 47 હજાર 363 મિલિયન લિટર પાણીનો જથ્થો હોવો જોઈએ. તેની તુલનામાં 27 જૂન, 2022ના રોજ ફક્ત 1 લાખ 31 હજાર 770 મિલિયન લિટર, એટલે કે, 9.10 ટકા જ જથ્થો ઉપલબ્ધ હતો.

શુક્રવારે 3 લાખ 75 હજાર 514 મિલિયન લિટર, એટલે કે, 25.94 ટકા પાણીનો જથ્થો છે.આથી જળાશય ક્ષેત્રમાં સંતોષકારક વરસાદ પડી રહ્યો હોવાથી અને પાણીનો જથ્થો વધી રહ્યો હોવાથી 10 ટકા પાણીકાપ રદ કરવાનો નિર્ણય શુક્રવારે લેવામાં આવ્યો હતો. આમ છતાં નાગરિકોએ પાણીનો વપરાશ કાળજીપૂર્વક કરવો એવો અનુરોધ પ્રશાસન દ્વારા કરવામાં આવ્યો છે.

જળવાહિની ફાટતાં પુરવઠાને અસર
દરમિયાન દાદર પારસી જિમખાના સામે જળવાહિની ફાટવાથી શુક્રવારે એફ સાઉથ અને એફ નોર્થ વોર્ડના અમુક વિસ્તારોમાં સવારે પાણી પુરવઠો થયો નહોતો, જેને લીધે નાગરિકો હેરાન થઈ ગયા હતા. દાદર પૂર્વમાં ડો. બાબાસાહેબ આંબેડકર માર્ગ પર પારસી જિમખાના સામે 1200 મિની વ્યાસની (ન્યૂ તાનસા) જળવાહિની ફૂટવાથી જળવાહિની દુરસ્તીનું કામ જળકામ વિભાગ દ્વારા યુદ્ધને ધોરણે હાથ ધરવામાં આવ્યું હતું. આ જળવાહિની ફૂટવાથી શુક્રવારે સવારે 4થી 10 સુધી પાણીપુરવઠો બંધ રહ્યો હતો. એફ નોર્થમાં દાદર પૂર્વ, માટુંગા, વડાલા, પારસી કોલોની, હિંદુ કોલોનીમાં તેની અસર વર્તાઈ હતી, જ્યારે એફ સાઉથ વોર્ડમાં દાદર, નાયગાવ, લાલબાગ, વડાલા, પરેલ, કાલાચોકી, શિવડીમાં અસર વર્તાઈ હતી. શનિવારથી આ વિસ્તારમાં રાબેતા મુજબ પાણી પુરવઠો કરવામાં આવશે, એમ પ્રશાસને જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...