રાજ્યના વરિષ્ઠ મંત્રી ચંદ્રકાંત પાટીલ પર શાહી ફેંકવાની ઘટનામાં પુણે જિલ્લાના પિંપરી ચિંચવડ પોલીસે તેના ત્રણ અધિકારી અને સાત અન્ય કર્મચારીઓને સાગમટે સસ્પેન્ડ કરી દીધા છે, એમ એક ટોચના અધિકારીએ રવિવારે જણાવ્યું હતું.પાટીલે હાલમાં જ ડો. બી. આર. આંબેડકર અને સમાજસુધારક મહાત્મા જ્યોતિબા ફુલે વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી, જેની સામે વિરોધી પક્ષો દ્વારા જોરદાર વિરોધ કરવામાં આવ્યો હતો, જેને લઈ શનિવારે પિંપરી શહેરમાં પાટીલ પર શાહી ફેંકવામાં આવી હતી.
અમે આ ઘટના સંબંધમાં ત્રણ અધિકારી અને સાત કર્મચારીને સસ્પેન્ડ કરી દીધા છે. બધા જ મંત્રી મુલાકાતે આવ્યા ત્યારે સલામતી કવચનો હિસ્સો હતો, એમ પિંપરી ચિંચવડના પોલીસ કમિશનર અંકુશ શિંદેએ જણાવ્યું હતું.નોંધનીય છે કે શનિવારે સાંજે પાટીલ પિંપરીમાં એક પદાધિકારીના ઘરમાંથી બહાર આવી રહ્યા હતા ત્યારે સલામતી ભેદીને ઘૂસેલા ત્રણ જણે પાટીલ પર શાહી ફેંકી હતી. શાહી ફેંકનારા ત્રણને પોલીસે તુરંત કબજામાં લીધા હતા.
ઔરંગાબાદ જિલ્લામાં ભાજપના વરિષ્ઠ મંત્રી પાટીલે કરેલાં નિવેદન બાદ આ હુમલો કરાયો હતો.શુક્રવારે ઔરંગાબાદમાં ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ મંત્રી પાટીલે જણાવ્યું હતું કે આંબેડકર અને ફુલેએ શૈક્ષણિક સંસ્થાઓ ચલાવવા માટે સરકારી ગ્રાન્ટ માગી નહોતી, તેમણે શાળા અને કોલેજ શરૂ કરવા માટે ભંડોળ ભેગું કરવા લોકો પાસેથી ભીખ માગી નહોતી. ભીખ શબ્દને લઈને વિવાદ સર્જાયો હતો.હુમલા પછી પાટીલે સલામતી કવચમાં ખામીને લઈને રાજ્યના ગૃહમંત્રી દેવેન્દ્ર ફડણવીસને પગલાં લેવા માટે વિનંતી કરી હતી. પાટીલે પોતાના નિવેદનનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું છે, એમ પણ ખુલાસો કર્યો હતો. આ પછી તેમણે માફી પણ માગી હતી.
સરકારની વર્તણૂક તાલીબાનીઃ વિરોધી પક્ષ : દરમિયાન ખેડૂત સંગઠનના નેતા રાજુ શેટ્ટીએ જણાવ્યું કે શાહી ફેંકનારા સામે 307 કલમ લગાવાઈ તે શસ્ત્રથી ઘા કરનાર પર લગાવાય છે. તો પછી શાહી ફેંકનારા પર આવો ગંભીર ગુનો શા માટે દાખલ કરાયો? સરકાર તાલીબાની જેવું વર્તન કરે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.