શિવસેનાના ઠાકરે જૂથના નેતા અનિલ પરબની સંપત્તિ ડિરેક્ટોરેટ ઓફ એન્ફોર્સમેન્ટ (ઈડી) દ્વારા જપ્ત કરવામાં આવી છે. દાપોલીમાં સાઈ રિસોર્ટના મામલામાં ઈડી દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. ઈડી દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર 10.20 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે.
ઈડીએ ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી છે, પરંતુ અનિલ પરબે આ કાર્યવાહી બાદ કહ્યું છે, કે મારે આ બાબત સાથે કોઈ લેવાદેવા નથી અને જો કાર્યવાહી થશે તો હું કોર્ટમાં જઈશ.ઈડીએ બુધવારે માહિતી આપી હતી કે, મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મંત્રી અને ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા અનિલ પરબની રૂ. 10.20 કરોડની સંપત્તિ મની લોન્ડરિંગ કેસમાં હંગામી ધોરણે જપ્ત કરવામાં આવી છે.
જપ્ત કરાયેલી સંપત્તિમાં રત્નાગિરિમાં 42 એકર જમીન અને ત્યાં બનેલા સાઈ રિસોર્ટનો સમાવેશ થાય છે. ઈડીએ આ કાર્યવાહી પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલયની ફરિયાદના આધારે કરી છે. દાપોલીમાં સાઈ રિસોર્ટ સંબંધિત કેસમાં ઈડી દ્વારા અનિલ પરબની ઘણી વખત પૂછપરછ કરવામાં આવી હતી.
આ સિવાય ઈડીએ સાઈ રિસોર્ટ કેસમાં પણ સાત સ્થળો પર દરોડા પાડ્યા હતા. ભાજપના નેતા કિરીટ સોમૈયાએ સાઈ રિસોર્ટનો મુદ્દો ઉઠાવ્યો હતો.સાઈ રિસોર્ટ સાથે સંબંધિત કેસમાં ઈડીએ પરબ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. આ સંબંધે તેમની ત્રણથી ચાર વાર પૂછપરછ કરવામાં આવી હતી. આ સંબંધે પર્યાવરણ ખાતાએ પરબ વિરુદ્ધ ફરિયાદ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.