ભાસ્કર વિશેષ:થાણે, કલ્યાણ, બદલાપુર માટે AC લોકલની 10 ફેરી, પ્રવાસીઓને સારી સુવિધા માટે સામાન્ય લોકલની ફેરી રદ કરવામાં આવશે

મુંબઈ7 દિવસ પહેલા
  • કૉપી લિંક

મધ્ય રેલવેના કાફલામાં તાજેતરમાં છઠ્ઠી એસી લોકલ દાખલ થઈ છે. તેથી મધ્ય રેલવેએ એસી લોકલની વધુ 10 ફેરી પ્રવાસીઓની સેવામાં મૂકવાનો નિર્ણય લીધો છે. સામાન્ય લોકલની 10 ફેરી રદ કરીને એસી લોકલની ફેરી ચલાવવામાં આવશે. એસી લોકલની 10 ફેરીઓમાં 8 ફાસ્ટ અને 2 સ્લો ફેરી ચલાવવામાં આવશે. એમાંથી મોટા ભાગની સવારે અને સાંજે ગિરદીના સમયે ચલાવવાનો પ્રયત્ન હોવાનું રેલવેએ જણાવ્યું હતું.

એમાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી બદલાપુર અને સીએસએમટી માર્ગ પર 4 ફેરી, સીએસએમટી-થાણે-સીએસએમટી 4 ફેરી અને સીએસએમટી-કલ્યાણ-સીએસએમટી 2 ફેરીઓનો સમાવેશ હશે. આ બાબતે અંતિમ નિર્ણય ટૂંક સમયમાં થશે. 8 ફાસ્ટ લોકલ બદલાપુર સુધી અને 2 સ્લો લોકલ થાણે અને કલ્યાણ માટે ચલાવવાનું નિયોજન છે. અત્યારે સીએસએમટીથી કલ્યાણ, બદલાપુર, અંબરનાથ, ટિટવાલા દરમિયાન એસી લોકલ પ્રવાસીઓની સેવામાં છે. આ લોકલની દરરોજ 56 ફેરી થાય છે.

ઓછા પ્રતિસાદના કારણે 5 મેથી એસી લોકલના ટિકિટ દરમાં કપાત કર્યા બાદ એસી લોકલની કેટલીક ફેરીઓને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ટિકિટ દરમાં કપાત પછી પણ હાર્બર લાઈનમાં સીએસએમટીથી પનવેલ અને ગોરેગાવ સુધી દોડતી લોકલને પ્રવાસીઓનો પ્રતિસાદ મળતો ન હોવાથી આ રૂટ પરની 16 ફેરીઓને બંધ કરવાનો નિર્ણય મધ્ય રેલવેએ લીધો હતો અને આ રૂટ પરની 16ના બદલે 12 ફેરી મધ્ય રેલવેની સીએસએમટીથી થાણે, ડોંબીવલી, અંબરનાથ, ટિટવાલા માર્ગ પર 14 મેથી ચલાવવામાં આવી. તેથી એસી લોકલની ફેરીઓની સંખ્યા 56 થઈ. હવે ટૂંક સમયમાં એસી લોકલની 10 ફેરીઓનો ઉમેરો થતા કુલ ફેરીની સંખ્યા 66 પર પહોંચશે.

સામાન્ય લોકલની ફેરી રદ થશે
સીએસએમટીથી અંબરનાથ, બદલાપુર, કસારા, ખપોલી રૂટ પર અત્યારે તરત નવી ફેરી વધારવી શક્ય નથી. થાણેથી દિવા પાંચમી અને છઠ્ઠી લેન શરૂ થયા બાદ એસી લોકલ સાથે જ સામાન્ય લોકલની કેટલીક ફેરીઓ વધારવામાં આવી. એ પછી હજી નવી ફેરી વધારવી શક્ય નથી. તેથી સામાન્ય લોકલની ફેરી રદ કરીન એના બદલે એસી લોકલની ફેરી ચલાવવા વિના બીજો વિકલ્પ નથી એમ જણાવવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...