વાંકાનેર તાલુકામાં આવેલા અને ધર્મનગર ગ્રામ પંચાયત હેઠળ આવતા વિસ્તારોને નર્કાગાર જેવો અનુભવ કરાવાતા અને ગંદકી, રસ્તા, ભૂગર્ભ ગટર અને સ્ટ્રીટ લાઇટ સહિતની સુવિધાઓ આપવામાં અક્ષમ્ય ઢીલ કરાતાં અહીં વસતા 200 જેટલા પરિવારની ધીરજ ખૂટી હતી અને લોકોએ સ્થાનિક નેતાગીરીના ભરોસે બેસી રહેવાને બદલે રાજકોટ તાલુકા વિકાસ અધિકારીને આવેદન આપી આ મુદે વર્ષોથી થઇ અન્યાયને ખાળવા અને પ્રાથમિક સુવિધા અપાવવા માગણી કરી હતી.
વાંકાનેર તાલુકાના પંચાસર રોડ પર આવેલી ધર્મનગર ગ્રામ પંચાયત હેઠળ આવતા ધર્મનગર , મહાદેવનગર તથા કિશાન સોસાયટી સહિતના વિસ્તારોના ૨૦૦થી વધુ પરિવાર વિવિધ રસ્તાની સમસ્યા , અસહ્ય ગંદકીની સમસ્યાથી ઘેરાયા છે. પંચાયત વિસ્તારમાં ક્યાંય પણ પાકો રસ્તો નથી કે ગટરની વ્યવસ્થા નથી.
પરિણામે ચોમેર ગંદા પાણીનો જમાવડો જોવા મળે છે. જ્યાં ત્યાં કચરાના ઢગલા જામી ગયા છે ત્યારે લોકો દ્વારા સરપંચ સહિત અનેક જગ્યાએ રજૂઆતો કરવામાં આવી હતી પરંતુ આજ સુધી કોઈ પરિણામ આવેલ ન હોવાથી અંતે કંટાળી લોકોએ તાલુકા વિકાસ અધિકારીને આવેદન પાઠવ્યું હતું અને તાત્કાલિક અસરથી સમસ્યાઓ દૂર કરવા જોરદાર રજૂઆત કરવામાં આવી હતી.
સરકારી ગ્રાન્ટ વપરાય છે ક્યાં તેવો લોકોનો આક્ષેપ
પ્રજાજનોએ આવેદનમા આક્ષેપ કર્યો હતો કે દરેક ગ્રામ પંચાયત ને વિકાસ કામો માટે સરકાર દ્વારા ગ્રાન્ટ ફાળવવામાં આવે છે ત્યારે છેલ્લા પાંચ વર્ષથી આ પંચાયત દ્વારા કોઈ જ વિકાસ કામો કરવામાં આવેલ નથી. આ વિસ્તારમાં પાકા રસ્તાઓ કે ગટરની વ્યવસ્થા નથી.
કેટલાય વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટ પણ બંધ હાલતમાં છે. અમે લોકોએ શાસન સોંપ્યું ત્યારે અપેક્ષા રાખી હતી કે વિકાસ કામો થશે પરંતુ અેવું બન્યું નથી. આઝાદી બાદ તાલુકા પંચાયતમાં સતા સ્થાને પહોંચેલા ભાજપના તાલુકા પંચાયત પ્રમુખ પણ આં મતવિસ્તારમાંથી ચૂંટાઈ આવેલા છે છતાં લોકોની સમસ્યા દૂર કરવા કોઈ કામગીરી હાથ ધરવામાં આવી નથી.
તાલુકા પંચાયત કચેરી ખુદ ગંદકીથી તરબતર
તાલુકા વિકાસ અધિકારી અને તાલુકા પ્રમુખની ચેમ્બરની બરોબર સામે જ કચેરી અંદર જ ગંદકીના ગંજ જામેલા હોય અને જો કર્મભૂમિને સ્વચ્છ રાખવામાં પણ તંત્ર અને સતાધિશો નિષ્ફળ નીવડ્યા હોય તો આ લોકો પાસે પ્રજાજનોએ સાફ સફાઇની અપેક્ષા રાખવી કેટલી વ્યાજબી ગણાય અેવી ચર્ચાએ પણ જોર પકડ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.