વિટંબણા:વાંકાનેરમાં કાયમી ચીફ ઓફિસર જ નથી, ઇન્ચાર્જ ઓફિસરના ભરોસે ચાલતી પાલિકાને કાયમી અધિકારી આપવા રજૂઆત

વાંકાનેર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
સમસ્યાઓના ઉકેલ માટે કાયમી ચીફ ઓફિસર આપવા માગણી. - Divya Bhaskar
સમસ્યાઓના ઉકેલ માટે કાયમી ચીફ ઓફિસર આપવા માગણી.

વાંકાનેર નગર પાલિકામાં કોઇ કાયમી ચીફ ઓફિસર જ નથી અને હાલમાં હંગામી આઇએએસ અધિકારીથી કામ ચલાવાઇ રહ્યું છે, અને નજીકના ભવિષ્યમાં આ અધિકારી નિવૃત્ત થવાના હોઇ, પાલિકા ફરી ઇન્ચાર્જના ભરોસે ચાલતી થઇ જશે તેવી ભીતિ વ્યક્ત કરી ભાજપના આગેવાનોએ મંત્રી મેરજાને પાલિકામાં કાયમી ચીફ ઓફિસરની નિમણુંક કરવા રજૂઆત કરી છે. વાંકાનેર નગરપાલિકામા હાલ ચીફ ઓફિસરની જગ્યા પર ટૂંકી મુદત માટે આઇ. એ.એસ . ઓફિસરને ધોરણે મૂકવામાં આવ્યા છે, જેની મુદત પૂર્ણ થવાના આડે એકાદ બે દિવસ છે ફરી પાલિકા ઇન્ચાર્જ ને ભરોસે થઈ જવાને કારણે પાલિકા વિસ્તારમાં અનેક સમસ્યાઓ પેદા થશે.

આ બાબતે શહેર ભાજપ પ્રમુખ તથા મહામંત્રીએ રાજ્ય કક્ષાના મંત્રીને મોરબી ખાતે રૂબરૂ મળી કાયમી ધોરણે ચીફ ઓફિસરની નિમણુંક આપવા બાબતે રજૂઆત કરી છે. શહેર ભાજપ પ્રમુખ પરેશભાઈ મઢવી તથા મહામંત્રી કે ડી ઝાલાએ પોતાની રજૂઆતમાં જણાવ્યું હતું કે કાયમી ચીફ ઓફિસરની નિમણુક થવાથી શહેરમાં અનિયમિત સાફ સફાઈ , અનિયમિત પાણીના પ્રશ્નો, સ્ટ્રીટ લાઈટના પ્રશ્નો, રોડ રસ્તાના સહિતના પડતર પ્રશ્નોનું નિરાકરણ આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર વાકાનેર સાથે જાણે ઓરમાયું વર્તન કરી રહી હોય તેમ શહેર તથા તાલુકાની વિવિધ સરકારી કચેરીઓમાં મુખ્ય અધિકારીઓની જગ્યાઓ મોટા ભાગે ખાલી રહેતી હોય છે જેને કારણે લોકોના કામો અટકી પડે છે.

હાલ વાંકાનેર ની સરકારી કચેરીઓમાં શહેરની એક માત્ર સરકારી હોસ્પિટલમાં અધ્યક્ષની જગ્યા ખાલી પડી છે, તાલુકા આરોગ્ય કચેરીમાં મુખ્ય તાલુકા આરોગ્ય અધિકારીની લાંબા સમયથી જગ્યા ખાલી પડી છે, સેવા સદન ખાતે મામલતદારની જગ્યા ખાલી પડી છે ત્યારે સરકાર દ્વારા આ તમામ કચેરીઓમાં તાત્કાલિક કાયમી ધોરણે અધિકારીઓની નિમણુક કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે, અને આ જગ્યાઓ ભરાશે તો જ લોકોના કામ સમયસર થશે અને સમસ્યાઓના સમયસર નિરાકરણ આવશે અને લાંબા સમયથી પડતર લોક સમસ્યાઓ હવે તો કાયમી ઉકેલ ઝંખે અપેક્ષા પણ અસ્થાને નથી જ.

અન્ય સમાચારો પણ છે...