સોશિયલ મીડિયાથી સંપર્કમાં આવ્યા બાદ કોઇ જાતની ઓળખાણ વગર નજીક આવ્યા પછી ગમે તે શખ્સ ગમે તે હદ સુધી જઇ શકે અને મામલો ઓળખાણથી શરૂ થઇને સતામણી, પોલીસ મથક સુધી પહોંચે એ હવેના યુગમાં નવું નથી. આવી જ એક ઘટના વાંકાનેરમાં બની છે જેમાં સોશિયલ મીડિયા થકી સંપર્કમાં આવ્યા બાદ પરિણીતાને વિધર્મી યુવકે તમે મને ગમો છો કહીને પોત પ્રકાશ્યું હતું અને એસિડ એટેકની ધમકી આપતાં ફરિયાદ નોંધાવી હતી.
સોશિયલ મીડિયાથી સંપર્કમાં આવી હતી
પરિણીતા ચણીયા ચોલી સહિતની ચીજવસ્તુઓનું ઓનલાઇન ટ્રેડિંગ કરે છે જેથી સોશિયલ મીડિયા થકી સંપર્કમાં આવેલા જાવિદ કુરેશી દ્વારા તમે મને ગમો છો કહી એસિડ એટેક કરવાની ધમકી આપતા ગભરાયેલી મહિલાએ પોતાના પતિને આપવીતિ જણાવી હતી અને બન્નેએ પોલીસ સ્ટેશન ધસી જઇને મોબાઈલ નંબર જણાવી જાવિદ કુરેશી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
એસિડ એટેક કરવાની ધમકી આપી
વાંકાનેરમાં ઓનલાઈન ચણીયા ચોલીનો ટ્રેડિંગ કરતા મહિલાને વિધર્મી યુવકે ધમકી આપી પતિ અને નણંદના મોબાઈલ ઉપર પણ બેફામ વાણી વિલાસ કરી તારી પત્ની તથા બહેનને બહાર આવવા દેતો નહિ, નહીંતર એસિડ તૈયાર છે, અરીસામાં મોઢું નહિ જોઈ શકે તેવા હાલ કરીશ તેવી ધમકી આપતા ભટ્ટ પરિવાર મુશ્કેલી મુકાઈ ગયો હતો અને ધમકી આપનાર શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે બંદોબસ્ત ગોઠવ્યો
બનાવની ગંભીરતાને ધ્યાને લઇ શહેર પોલીસે મેઘનાબેનના પરિવારની સુરક્ષા માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો અને મેઘનાબેનની ફરિયાદ પરથી જાવીદ કુરેશી નામના શખ્સ વિરુદ્ધ મોબાઈલ નંબરને આધારે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.