છેતરપિંડી:વાંકાનેર ડેપો મેનેજરના IDનો ઉપયોગ કરી બે એજન્ટે રૂ. 56,381ની છેતરપિંડી આચરી

વાંકાનેર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગોધરા GSRTCના બંને એજન્ટ ઓનલાઇન ટિકિટ બુક કરતા અને પછી કેન્સલ કરી રિફંડ જમી જતા
  • વાંકાનેર ડેપોની 252 ટિકિટ રદ કરી નાખી અને રકમ જમા કરાવવાને બદલે ખિસ્સામાં સેરવી

જેમ જેમ ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ વધતો જાય છે તેમ તેમ તેના ગેરઉપયોગના કિસ્સા પણ સામે આવી રહ્યા છે. ગોધરા જીએસઆરટીસીના બે બુકિંગ એજન્ટે વાંકાનેર ડેપો મેનેજરના યુઝર આઇડીનો ઉપયોગ કરી 252 ટિકિટ ઓનલાઇન બુક કરી હતી અને બાદમાં ઓનલાઇન કેન્સલ કરી નાખી 56,381ની છેતરપિંડી કરી હતી અને આ રકમ ડેપોમાં જમા કરાવવાને બદલે ખિસ્સામાં સેરવી હતી, આથી વાંકાનેર ડેપો મેનેજરે આ બન્ને વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે, સાથે એ પણ જાણવા મળ્યું છે કે ગોધરાના આ બન્ને એજન્ટે અન્ય કેન્દ્રની પણ 300થી વધુ ટિકિટ બુક કરી છેતરપિંડી આચરી હોવાથી સુરત પોલીસે બન્ને આરોપીની ધરપકડ કરી કાર્યવાહી આરંભી છે.

એસટી વિભાગમાં ઓનલાઈન ટિકીટ બુક કરી બાદમાં કેન્સલ કરવાનું રાજ્યવ્યાપી કૌભાંડ પ્રકાશમાં આવ્યુ છે. વાંકાનેર ડેપો મેનેજરે ગોધરા એસ.ટી. વિભાગના બે એજન્ટ સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં આ બંને શખ્સો દ્વારા રાજ્યના અનેક એસટી ડેપો સાથે આ રીતે છેતરપિંડી થઇ હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વાંકાનેર એસટી ડેપોમાં ફરજ બજાવતા ડેપો મેનેજર કવિતાબેન મલયભાઇ ભટ્ટે સીટી પોલીસમાં સંજયભાઇ આર. બારીયા જેના યુઝરઆઇડી GSSANJAYR અને વિપુલભાઇ ભગાભાઇ મોહનીયા જેના યુઝરઆઇડી GS MOHANIYA સામે ફરિયાદ દાખલ કરી છે.

જેમાં તેમણે જણાવ્યું હતું કે આ બન્ને GSRTC ગોધરા વિભાગના બુકિંગ એજન્ટ છે. જેમણે વાંકાનેર એસટી ડેપોના મહિલા અધિકારીનું યુઝરઆઇડી ગમે ત્યાથી મેળવી જાન્યુઆરી-૨૦૨૨ થી મે-૨૦૨૨ દરમ્યાન મુસાફરોની અનેક ટિકિટ બુક કરી હતી અને બાદમાં કેન્સલ કરાવી નાખી હતી. વાંકાનેર કેન્દ્રની અંદાજિત ૨૫૨ ટિકિટ કેન્સલ કરી જેની અંદાજીત રકમ રૂપિયા 56381 છે. આ રીતે રકમ એસટી વિભાગમાં જમા કરાવાતી ન હતી અને સરકારને મળવા પાત્ર થતી મુસાફર ટેક્ષની રકમનું પણ નુકસાન કરી છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાવી છે.

વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વધુમાં ડેપો મેનેજર કવિતાબેન ભટ્ટે જણાવ્યું હતું કે આરોપીઓને સુરત પોલીસે પકડી પાડયા છે અને વાંકાનેર પોલીસ સ્ટેશનમાં તેઓ બંને વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...