તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બુટલેગરો બેફામ:વાંકાનેરના વઘાસિયા ગામમાં પોલીસ ટીમ પર બે બુટલેગરનો છરીથી હુમલો

વાંકાનેર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દારૂની બાતમીના અાધારે દરોડો પાડવા ગયેલા સ્ટાફ પર લાજવાને બદલે ગાજ્યા
  • પોલીસે દારૂ કબજે લઇ, બે શખ્સ સામે ફરજમાં રૂકાવટનો ગુનો દાખલ કરી કાર્યવાહી આરંભી

વાંકાનેરમાં બુટલેગરો બેલગામ બન્યા છે તેનો વધુ એક પુરાવો સાંપડ્યો છે. દારૂની રેડ કરવા ગયેલા પોલીસ સ્ટાફ પર બે બુટલેગર છરી વડે હુમલો કરી નાસી છૂટયા હતા. આથી આરોપીઓ વિરુદ્ધ પોલીસ પર હુમલો તથા ફરજ રૂકાવટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને વધુ કાર્યવાહી અારંભાઇ છે. વાંકાનેરના વઘાસીયા ગામની સીમમા દેશી દારૂ લઈને નીકળેલા બે બુટલેગરને પોલીસે રોકવાનો પ્રયાસ કરતા બેફામ બનેલા બુટલેગરએ લાજવાને બદલે ગાજી ફરજ પરના પોલીસ કર્મચારી પર છરી વડે હુમલો કર્યો હતો.

જે બાદ પોલીસે આરોપી પાસેથી દેશી દારૂ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી બે શખ્સ સામે હુમલો અને ફરજમાં રૂકાવટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી બન્ને બુટલેગરને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. વાંકાનેર શહેર પોલીસ મથકના હેડ કોન્સટેબલ હરપાલસિંહ પરમારે વઘાસિયાના આરોપીઓ ભુપેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ ઝાલા અને પ્રતિકસિંહ જનકસિંહ ઝાલા સામે ફરિયાદ નોંધાવી હતી કે વઘાસીયા ગામની સીમ પાસે આરોપીઓ દેશી દારૂનો ધંધો કરતા હોય ત્યારે પોલીસ પેટ્રોલિંગમાં નીકળ્યા હતા.

જે દરમિયાન આરોપીઓ પોતાના બાઇક પર દેશીદારૂ ભરેલા બાચકા સાથે પસાર થતા પોલીસ સ્ટાફે તેને રોકવા કોશિશ કરતા બંને આરોપીઓએ ફરાર થવાનો પ્રયાસ કરતાં પોલીસ ટીમે પીછો કર્યો હતો અને બન્ને આરોપીએ પોલીસ કર્મચારીઓ સાથે ઝપાઝપી કરી ગાળો બોલી ફરજમાં રૂકાવટ કરી છરી વડે ઓચીંતા હુમલો કરતા પોલીસ કર્મચારીને હાથની આંગળીમા છરી વાગતા ઇજા પહોંચી હતી.

પોલીસ કર્મચારી પર હુમલો કરીને બન્ને આરોપીઓ નાસી છૂટ્યા હતા જેથી પોલીસે આરોપી પાસે રહેક 50 લીટર દેશી દારૂ કબ્જે કરી બન્ને આરોપીઓ સામે ફરજમાં રૂકાવટ તથા પોલીસ પર હુમલો કરવા સહિતની આઈ.પી.સી. કલમ તથા જી.પી.એકટ તથા પ્રોહી કલમ મુજબ ગુન્હો નોંધી બન્નેને ઝડપી લેવા વધુ તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...