વાંકાનેરનાં મહીકાના રહેવાસી અને હાલ સુરત રહેતા યુવાને મિલકત ગીરવે મૂકીને 5% વ્યાજે 30 લાખ રૂપિયા લીધા હતા જેની સામે તે દર મહિને દોઢ લાખનું વ્યાજ આપતો હતો. બાદમાં વધુ રકમ પડાવવા યુવાનની માલીકીની જમીન તેમજ ગાડી વ્યાજખોરોએ પડાવી લીધી હતી અને તેમ છતાં વ્યાજની પઠાણી ઉઘરાણી ચાલુ જ રહી હતી જેથી યુવાને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે વ્યાજખોર બંને શખ્સ સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા પરંતુ શાતીર વ્યાજખોર ભૂગર્ભમાં ઉતરી ગયા હતા.
અંતે તલાટી મંત્રી કાદરી સહિત બે આરોપીની ધરપકડ કરી લેવાઇ છે. મહીકા ગામના રહેવાસી અને હાલમાં રાહત સોસાયટી સુરત રહેતા ઈલ્યુદીન હબીબભાઇ બાદએ વાંકાનેર લક્ષ્મીપરા ખાતે રહેતા તલાટી મંત્રી એઝાઝહુસેન કાદરી તથા અમદાવાદના પ્રહલાદસિંહ ચુડાસમા સામે વાંકાનેર સિટી પોલીસે ફરિયાદ નોંધી હતી. ફરિયાદીએ આરોપીઓ પાસેથી પોતાની મિલ્કત ગીરવે મૂકી વ્યાજે 30 લાખ લીધા હતા અને તેનુ માસિક દોઢ લાખ વ્યાજ ચુકવાતું હતું.
આરોપીઓએ ધીમે ધીમે ફરિયાદીની જમીન તેમજ ગાડી બળજબરીથી કબજે લઇ લીધી હતી અને અપહરણ કરવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતી હતી. વ્યાજખોરોએ યુવકને તલાટીની વાંકાનેર પાસે આવેલી ઓફીસે બોલાવી ધાક ધમકી આપી હતી.
યુવકની ફરિયાદને પગલે પોલીસ દ્વારા બંને વ્યાજખોર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી બંને સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને હાલમાં આ ગુનામાં પોલીસે પ્રહલાદસિંહ બહાદુરસિંહ ચુડાસમા અને એઝાઝહુસેન મહામદઇકબાલભાઇ કાદરીની ધરપરડ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે વ્યાજખોર આરોપી એઝાઝહુસેન કાદરી મોરબી જિલ્લામાં તલાટી તરીકે ફરજ બજાવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.