નશાનું વધતું દૂષણ:વાંકાનેરની મેસરિયા ચેકપોસ્ટ પરથી ચાર કિલો ગાંજાના જથ્થા સાથે 3 શખ્સ ઝડપાયા

વાંકાનેર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાહન ચેકિંગ કરતી વખતે પોલીસને બગાસું ખાતાં પતાસું મળી આવ્યું

મોરબી જિલ્લામાં નશાખોરીનો દાનવ દિન પ્રતિદિન પોતાનો પગપેસારો વધારી રહ્યો છે. તમામ ચેકપોસ્ટ પર જો કડક કાર્યવાહી કરવામાં આવે અને સઘન ચેકિંગ કરવામાં આવે તો વાહનોમાં આવતા નશીલા પદાર્થને રોકી શકાય તેમ છે ત્યારે આજે વાંકાનેર શહેરથી બાઉન્ડ્રી તરફ જતા નેશનલ હાઈવે પર મેસરિયા ગામ નજીક આવેલ પોલીસ ચેક પોસ્ટ પરથી મોરબી એસ.ઓ.જી અને વાંકાનેર તાલુકા પોલીસે વાહન ચેકિંગ દરમિયાન એક રિક્ષામાંથી ચાર કિલો ગાંજા સાથે ત્રણ શખ્સને ઝડપી પાડીને ચાર કિલો ગાંજો, રીક્ષા અને બે મોબાઈલ સહિત કુલ રૂ.1,18,500 નો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી એસ.ઓ.જી. તથા વાંકાનેર તાલુકા પોલીસ ટીમ વાંકાનેરની મેસરિયા ચેકપોસ્ટ નજીક વાહન ચેકિંગમાં હતી ત્યારે ત્યાંથી પસાર થતી રીક્ષા GJ 36 U 6417X ને રોકી તલાશી લેતા તેમાંથી ચાર કિલો ગાંજો મળી આવ્યો હતો, જેથી પોલીસે રીક્ષામાં બેઠેલા જાદવ ઉર્ફે ભીમાભાઇ રામભાઈ મુંધવા (ઉ.વ. 20, રહે. વાંકાનેર), રાજુભાઈ રતનભાઈ શર્મા (ઉ.વ. 36, રહે. લાલપર ગામ) અને બળદેવભાઈ વિરમભાઈ ગમારા (ઉ.વ. 30, રહે. રફાળેશ્વર) ને ઝડપી પાડ્યા હતા તેમજ પોલીસે 4 કિલો ગાંજો (કીં.રૂ. 40,000), સીએનજી રીક્ષા (કીં.રૂ. 60,000), થેલો અને બે મોબાઈલ (કીં. રૂ. 6,000) તથા રોકડ રકમ રૂ. 12,500 સહિત કુલ રૂ. 1,18,500 ના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીની ધરપકડ કરી ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ ગાંજાનો જથ્થો આરોપીઓ સુરતથી લાવ્યા હોવાનું રટણ
આરોપીઓ ગાંજાનો આ જથ્થો સુરતથી લઇને આવ્યા હતા અને ચોટીલાથી જાદવ ઉર્ફે ભીમાભાઇ રિક્ષામાં ગાંજાનો જથ્થો લઇને મોરબી તરફ આવી રહ્યા હતા ત્યારે ચેકિંગ દરમિયાન પોલીસને હાથ લાગી ગયો હતો. એવું પણ જાણવા મળ્યું છે કે, રાજુભાઈ રતનભાઈ શર્મા અને બળદેવ વિરમભાઈ ગમારા ગાંજાનો જથ્થો લઈને આવ્યા હતા અને જાદવની રિક્ષામાં તેની હેરાફેરી કરાતી હતી અને ત્રણેય ભાગીદારીમાં ગાંજો વેચતા હોય તેવું તપાસમાં સામે આવ્યું છે. જો કે સુરતમાં કયા શખ્સ પાસેથી ગાંજો મળ્યો છે અને કોને વેચાણ મોરબી જિલ્લાના કયા વિસ્તારમાં અને કઈ રીતે કરવાનું હતું તે દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરુ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...