વાંકાનેર આવવામા મુશ્કેલી:વાંકાનેરના જાલાસિકા અને વસુંધરા ગામને જોડતો રાજાશાહી વખતનો પુલ તૂટી ગયો

વાંકાનેરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અનેક ગામોનો વાંકાનેર સાથેનો સંપર્ક ખોરવાઇ જતાં તંત્ર ઊંધા માથે

વાંકાનેર તાલુકાના જાલસિકા તથા વસુંધરા ગામને જોડતો પુલ તૂટી ગયો છે અને બેનૈયો નદીમાં ઉપરવાસના ભારે વરસાદને કારણે ઘોડાપૂર આવતા પુલનું ધોવાણ થઈ જતા પુલ તૂટી નદીના પ્રવાહમાં તણાઈ ગયો હતો જેને કારણે અનેક ગામોનો તાલુકા મથક વાંકાનેર સાથેનો સંપર્ક તુટી ગયો હતો. આ પુલ છેલ્લા કેટલાક સમયથી જર્જરિત હાલતમાં હતો જે બાબતે ગ્રામ પંચાયત દ્વારા અનેક વખત તાલુકા તથા જિલ્લાકક્ષાએ રજૂઆતો કરી હતી

પરંતુ તંત્રએ આ બાબતને ગંભીરતાથી લીધી ન હતી. આ પુલનું નદીમાં ધોવાણ થઈ જતાં જાલસિકા તથા વસુંધરા સંયુક્ત ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા તાલુકા તથા જિલ્લાકક્ષાએ ફ્લડ કંટ્રોલ રૂમ પર જાણ કરી હતી છતાં આ ઘટનાને 24 કલાક બાદ પણ કોઈ તંત્ર કે કહેવાતા નેતા અહી મુલાકાતે આવ્યા નથી. આ બાબતે સરપંચ હરભમભાઈ હેરભાએ જણાવ્યું હતું કે નવા વસુંધરા પાસે આવેલો પુલ પણ તૂટી ગયો છે અને અહી હજુ પાકા રસ્તા પણ નથી.

બેનૈયો નદીના પુલનું ધોવાણ થવાથી જાલસિકા, વસુંધરા, જેપર, રૂપાવટી તથા જાલિડા સહિતના ગામ લોકોને તાલુકા મથક વાંકાનેર આવવામા મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જાલસિકા ગ્રામ પંચાયતના સરપંચ હરભમભાઈએ તાલુકા તથા જિલ્લા ફ્લડ કંટ્રોલ રૂમને તમામ હકિકતની જાણ કરી હતી. છતાં કોઇ મદદ મળી ન હતી.

જવાબદારીની ફેંકાફેંકી
સરપંચે જણાવાયું કે જિલ્લા પંચાયતમા પુલ રીપેરીંગ માટે રજૂઆત કરતા જિલ્લા પંચાયતના અધિકારીઓએ જવાબદારીની ફેંકાફેંકી કરી આ પુલ જિલ્લા પંચાયતમા ન આવે તેમ જણાવી હાથ ખંખેરી લેતા હોય છે. જેના પગલે સરપંચે આજે વાંકાનેર તાલુકા પંચાયત, મોરબી જિલ્લા પંચાયત તથા ગાંધીનગર સુધી લેખિત રજૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...