ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:પ્રશ્નો અમારા જેમના તેમ, નેતાના વચનો પર વિશ્વાસ કેમ મૂકવો?

વાંકાનેર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાંકાનેરના ગ્રામ્ય વિસ્તારના લોકો કહે છે કે અમને તો ચૂંટણી નહીં, યાતનાઓ દેખાય છે!

વાંકાનેર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આઝાદીના આટલા વર્ષો પછી પણ પીવાના પાણી, રોડ રસ્તાઓ , વીજળી , શાળાઓના જર્જરિત મકાનની સમસ્યાઓ જેમની તેમ હોય મતદારો ભલે ખુલીને કશું બોલતા નથી .

દિવ્ય ભાસ્કરની ટીમને મતદારોએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે વર્ષોથી તેઓની સમસ્યા જેમની તેમ રહે છે. હવે આ સ્થિતીમાં અમારે નેતાઓના વચનો પર વિશ્વાસ મૂકવો કે કેમ તે અમારા માટે યક્ષ પ્રશ્ન સર્જાયો છે. વાંકાનેર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મુખ્ય સમસ્યા પીવાના પાણીની છે. લોકો નેતાઓના વચનો સાંભળીને તંગ આવી ગયા છે ચૂંટણી બાદ વિજયી ઉમેદવાર બેદરકાર બની જાય છે જ્યારે હારેલો ઉમેદવાર પોતે કામ કરવા સક્ષમ ન હોવાનું જણાવતા પ્રજાજનોની સમસ્યાઓ ઠેરની ઠેર જોવા મળે છે. આ અંગે રજૂઆતો ન કરાઇ હોય તેવું નથી, પરંતુ થઇ જશે તેમ સાંભળવામાં રસ નથી.

ભાટિયા સોસાયટી; હવે અમને વચનો પર કોઇ વિશ્વાસ નથી !
કણસાગરા હર્ષદરાય ડાયાભાઇ કહે છે કે વાંકાનેરતાલુકાની સૌથી મોટી પંચાયતોમાં આવતી ગ્રામ પંચાયતમાં ભાટિયા સોસાયટી ગ્રામ પંચાયતમાં માત્ર સમસ્યાઓ જ સમસ્યાઓ છે. જ્યાં સુખાકારીનો છેદ જ ઊડી ગયો છે. ભાટિયા સોસાયટી પાંચ હજારથી પણ વધુ વસ્તી ધરાવે છે. જ્યાં પીવાના પાણીની કોઈ જ વ્યવસ્થા નથી. ગામલોકોએ તાલુકા પંચાયત , ધારાસભ્ય તથા સાંસદ સુધી રજૂઆતો કરી હતી જેમાં ઠાલા વચનો આપવામાં આવેલા પરંતુ આજે પણ લોકો ન પીવા લાયક પાણી પીવા મજબૂર બન્યા છે. વૈકલ્પિક રૂપે વેચાતું પાણી લેવા મજબૂર થઈ ગયા છીએ. થોડા સમય પહેલા ચંદ્ર પુર ગ્રામ પંચાયતથી અલગ થયેલી ભાટિયા સોસાયટી પંચાયતની સમસ્યામાં વધારો થયો છે જેમાં ઠેર ઠેર ગંદકીના ઢગ, નળમાં ગટરના પાણી ભડતું હોવાથી દુર્ગંધ વાળુ પાણી આવે છે, ગટરોની સફાઈ ના અભાવે ગંદકી થાય છે જ્યારે મુખ્ય રસ્તાઓ સહિતના રસ્તાઓ ધૂળ ધાણી હોવાથી લોકો અસહ્ય મુશ્કેલીનો સામનો કરી રહ્યા છીએ. આ સ્થિતિમાં અમને ચૂંટણી માટે અપાતા વચનો પર શ્રધ્ધા કેમ બેસે?

તીથવા, સરધારકા : ધુળિયા રસ્તાથી કોઇએ મુક્તિ ન અપાવી
આ ગામના વિરેન્દ્રસિંહ ઝાલાએ આક્રોશસાથે જણાવ્યું હતું કે તીથવા ગામે બે વર્ષથી હાઈસ્કૂલની બિલ્ડિંગ જર્જરિત હાલતમાં છે, આથી બાળકોને ગામની પ્રાથમિક શાળાના મકાનમાં ભણાવવા પડી રહ્યા છે. જે બાબતે લોકોમાં વ્યાપક નારાજગી જોવા મળી રહી છે. તેમજ સરધારકા ની સમસ્યાઓ તેમણે નિરાશા વ્યક્ત કરી હતી કે અમો આસપાસના ગ્રામ્ય વિસ્તારોના ધૂળિયા રસ્તાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છીએ સાથે પીવાના પાણી માટે આજ સુધી કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો ન હોય પાણી માટે ગ્રામજનોને હાલાકી ભોગવવી પડે છે. દર વખતે ચૂંટણી સમયે ઉમેદવારો આવે છે, વચનો આપે છે કે થઇ જશે, પરંતુ થતું કંઇ નથી. આથી અમારે જ હવે વિચારવું પડે તેવી સ્થિતિ છે. અમને હવે નક્કર કામગીરી થાય તેમાં રસ છે. અમે મતદાન કરીશું જ ,પરંતુ એ પણ નક્કી કે અમને સારા નરસાનું ભાન છે.

ભેરડા, ગારીડા : પ્રશ્નો જ અનેક છે કે ચૂંટણી ક્યાંથી યાદ આવે!
અબ્દુલભાઇ જણાવે છે કે ભેરડા ગામે આવેલો તળાવનો પાંચેક વર્ષથી તૂટી ગયો છે જે બાબતે અનેક રજૂઆતો કરવા છતાં કોઈ પરિણામ આવ્યું નથી. પરિણામે વરસાદથી તળાવમાં પાણી આવે ખરું અને બાદમાં નીકળી જાય એટલે ગામલોકોને પાણીની કાયમી મુશ્કેલી સહન કરવી પડે છે. સ્થળ તપાસ માટે મામલતદાર , તાલુકા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ મુલાકાતે આવ્યા હતા પરંતુ સમસ્યા દૂર થઈ નથી. તાલુકાના ગારીડા ગામના લોકો પણ પીવાના પાણી માટે વર્ષોથી સમસ્યા સહન કરી રહ્યા છે. રજૂઆતો કરવામાં આવે ત્યારે મળતા આશ્વાસનથી પાણી મળી જતું હોતું નથી. આથી આવા માહોલમાં અમને ચૂંટણી કે ઉમેદવારોમાં રસ લેવાનું ક્યાંથી સૂઝે? લોકશાહી પર્વ છે, એટલે અમારી ફરજ ચૂકીશું નહીં, પરંતુ અમારી યાતનાઓ, પીડાઓ અમને સતત યાદ રહેશે એ પણ હકીકત છે.

અન્ય સમાચારો પણ છે...